કાલાવડમાં રાજકીય ગરમાવો, રવિવારે ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAPની મહાસભા

ભાજપ-કોંગ્રેસના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓનું આપમાં જોડાણની શકયતા? કાલાવડ વિસ્તારમાં રાજકીય હલચલ તેજ બની રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આવનારા રવિવારે કાલાવડ ખાતે…

ભાજપ-કોંગ્રેસના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓનું આપમાં જોડાણની શકયતા?

કાલાવડ વિસ્તારમાં રાજકીય હલચલ તેજ બની રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આવનારા રવિવારે કાલાવડ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિશાળ મહાસભાનું આયોજન કરવામાં આવશે.આ મહાસભામાં આમ આદમી પાર્ટીના ગુજરાતના યુવા નેતા અને વિસાવદર વિધાનસભા ના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયા ખાસ ઉપસ્થિત રહેશે તેવી માહિતી મળી રહી છે.આ મહાસભા કાલાવડના રાજકીય પરિસ્થિતિમાં મહત્વપૂર્ણ વળાંક સાબિત થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ તેમજ કોંગ્રેસના અનેક સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ આ મહાસભામાં બહોળી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે.છેલ્લા કેટલાક સમયથી કાલાવડ વિસ્તારમાં રાજકીય અસંતોષ અને પરિવર્તનની માંગ ઊઠી રહી છે, જેના કારણે આ જોડાણને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યમાં સંગઠન મજબૂત કરવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારોમાં પાર્ટી પોતાનું વલણ મજબૂત બનાવી રહી છે. કાલાવડમાં યોજાનારી આ મહાસભા પણ એ જ પ્રયાસનો ભાગ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગોપાલભાઈ ઇટાલીયા ની હાજરી આ કાર્યક્રમને વધુ પ્રભાવશાળી બનાવશે અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધારશે તેવું રાજકીય નિષ્ણાતો જણાવી રહ્યા છે.

સ્થાનિક સ્તરે મળતી માહિતી મુજબ, આ મહાસભા માટે વિશાળ તૈયારીઓ ચાલી રહી છે. કાર્યક્રમ સ્થળે બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. સાથે જ, પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ગામે ગામ જઈને લોકોને આ મહાસભામાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.આ મહાસભા બાદ કાલાવડના રાજકીય સમીકરણોમાં ફેરફાર જોવા મળી શકે છે. ભાજપ અને કોંગ્રેસ માટે આ એક પડકારરૂૂપ પરિસ્થિતિ બની શકે છે, કારણ કે તેમના કેટલાક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પક્ષ છોડીને આપમાં જોડાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. હાલ આ સમગ્ર મામલે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોના આધારે મળતી માહિતી રાજકીય માહોલને ગરમાવી રહી છે. હવે આવનારા રવિવારે યોજાનારી આ મહાસભા પર સૌની નજર ટકેલી છે, જે કાલાવડના રાજકારણમાં નવો વળાંક લાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *