પોલીસનું ‘ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ’ 5000 બાળ મજૂરોને મુક્ત કરાવવા અભિયાન

છેલ્લા 14 દિવસમાં રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરતમાંથી 84 બાળ મજૂરોને મુક્ત કરાવ્યા, 26 સામે ગુના નોંધાયા ઉદ્યોગો અને કારખાનાઓમાં માસૂમ બાળકોને રાખી તેમનું શોષણ કરતા…

છેલ્લા 14 દિવસમાં રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરતમાંથી 84 બાળ મજૂરોને મુક્ત કરાવ્યા, 26 સામે ગુના નોંધાયા

ઉદ્યોગો અને કારખાનાઓમાં માસૂમ બાળકોને રાખી તેમનું શોષણ કરતા તત્ત્વો સામે રાજ્યની પોલીસે કમર કસી છે. રાજ્યભરમાં બાળમજૂરીના દૂષણને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા એક વિશેષ રાજ્યવ્યાપી અભિયાન ’ઓપરેશન ચાઇલ્ડ હુડ ફ્રી ડમ’ હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ, દરેક બાળક શાળામાં હોવું જોઈએ, કોઈપણ બાળક મજૂરી કરતું ન હોવું જોઈએ.

અભિયાનની શરૂઆતના પ્રથમ 14 દિવસમાં જ પોલીસે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી 84 બાળમજૂરોને મુક્ત કરાવ્યા છે. બાળકો પાસે ગેરકાયદે મજૂરી કરાવી ગુનો આચરતા તત્ત્વો સામે કાયદાકીય સકંજો કસવામાં આવ્યો છે. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ 16 કેસ નોંધીને 26 આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

આ અભિયાન અંતર્ગત રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મોટા શહેરો અને ગ્રામ્ય પંથકમાં દરોડા પાડી બાળકોને મુક્ત કરાવ્યા હતા. કારખાનાનો માલિક બાળકોને આખો દિવસ કામ કરાવવા બદલ નજીવી રકમનું વેતન આપતા હોવાનુ જાણવા મળ્યુ છે. બાળકો પાસે સવારે 8:00 વાગ્યાથી સાંજે 7:00 વાગ્યા સુધી (11 કલાક) સખત કામ લેવાતું હતું અને માત્ર એક કલાકનો જમવાનો વિરામ મળતો હતો. જો બાળકો કામ કરવાની ના પાડે, તો તેમની સાથે બળજબરી કરવામાં આવતી હતી. પોલીસે આ બાળકોનું શારીરિક, માનસિક અને આર્થિક શોષણ કરનાર માલિકો સામે ગુનો નોંધી, બાળકોનું રેસ્ક્યૂ કરી તેમના પુનર્વસન અને ફરી શાળાએ જવા માટેની વ્યવસ્થા કરી આપી છે.

રાજ્ય પોલીસ વડા (DGP) જી.એસ. મલિકે આ અભિયાન અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ’આ અભિયાન માત્ર દરોડા પાડવા પૂરતું સીમિત નથી. અમારો હેતુ મુક્ત કરાયેલા બાળકોને નવી જિંદગી આપવાનો છે. અત્યાર સુધી રેસ્ક્યૂ કરાયેલા બાળકોમાંથી 67 બાળકોનું પુનર્વસન પણ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, સમાજમાં જાગૃતિ લાવવા માટે રાજ્યભરમાં 160 જેટલા જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.’

ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (મહિલા સેલ)ના અધિક પોલીસ મહાનિર્દેશક (ADGP) અજય ચૌધરીએ જણાવ્યું કે, ’બાળમજૂરીના મોટાભાગના કિસ્સાઓ ટેક્સટાઇલ યુનિટો, હોટેલો, રાઇસ મિલો અને નાના ઉદ્યોગોમાંથી પ્રકાશમાં આવી રહ્યા છે. મજૂરીમાંથી મુક્ત કરાયેલા ઘણા બાળકો બિહાર અને રાજસ્થાન જેવા અન્ય રાજ્યોમાંથી લાવવામાં આવ્યા હોવાનું ખુલ્યું છે, જેથી પોલીસ આ મામલાઓમાં સંભવિત ’ચાઇલ્ડ ટ્રાફિકિંગ’ (બાળ તસ્કરી)ના એન્ગલથી પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.’

બાળ મજૂરો સપ્લાય કરનાર કોન્ટ્રાક્ટરો અને સપ્લાયરોનું નેટવર્ક તોડી પડાશે
પોલીસ અધિકારીઓના જણાવ્યાનુસાર, માત્ર બાળમજૂરો રાખનારા એકમો જ નહીં, પરંતુ બાળકો સપ્લાય કરનારા કોન્ટ્રાક્ટરો અને તેમની આખી સપ્લાય ચેઇનના નેટવર્કને તોડી પાડવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. પ્રાથમિક વિશ્ર્લેષણ અનુસાર, ગરીબી અને સ્થળાંતર બાળમજૂરી પાછળના મુખ્ય કારણો છે, વળી બાળમજૂરો સસ્તા પડતા હોવાથી ઉદ્યોગકારો તેમને રાખતા હોય છે. આ દૂષણને મૂળમાંથી ઉખાડવા માટે ગુજરાત પોલીસ શ્રમ વિભાગ, બાળ કલ્યાણ સમિતિ (CWC), શૈક્ષણિક સંસ્થાઓ અને વિવિધ NGO સાથે સંકલન સાધીને કામ કરી રહી છે. આ મેગા ડ્રાઇવ હેઠળ ગુજરાત પોલીસ આગામી સમયમાં 50,000થી વધુ સ્થળોએ સઘન તપાસ હાથ ધરશે અને 5,000થી વધુ બાળમજૂરોને મુક્ત કરાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ સાથે જ ફેક્ટરી માલિકો અને વેપારીઓને બાળમજૂરી વિરોધી કાયદા અને શિક્ષણના મહત્ત્વ વિશે જાગૃત કરવા વિશેષ પ્રયાસો ચાલુ રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *