સંસદનાં શિયાળુ સત્રમાં સર્જાયેલ ડ્રામાનો ઘટસ્ફોટ કરતાં સાંસદ રૂહુલ્લાહ મેહંદી
નેશનલ કોન્ફરન્સના સાંસદ આગા સૈયદ રુહુલ્લાહ મેહદીએ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના બળવાખોર સાંસદ અને ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ વિશે એક ચોંકાવનારો દાવો કરીને રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. તેમના જણાવ્યા અનુસાર, સંસદના ગયા શિયાળુ સત્ર દરમિયાન વિપક્ષના વિરોધ પ્રદર્શન વચ્ચે 1 અગ્રણી મુસ્લિમ સાંસદે (જે TMC ના નહોતા) યુસુફ પઠાણને ભાજપ સામે વિરોધ ન કરવા માટે ધમકાવ્યા હતા અને ડર બતાવ્યો હતો કે જો તેઓ વિરોધ કરશે તો ગુજરાતમાં તેમનું ઘર બુલડોઝરથી તોડી પાડવામાં આવશે.
આ સાંભળીને યુસુફ પઠાણ એટલા ડરી ગયા હતા કે તેઓ વિરોધ છોડીને પોતાની સીટ પર પાછા આવી ગયા હતા, જે બાદ TMC નેતા મહુઆ મોઇત્રાએ વચ્ચે પડીને તેમને હિંમત આપી હતી. પશ્ચિમ બંગાળની ચૂંટણી બાદ હવે TMC માં આંતરિક ભંગાણ અને બળવો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે અને યુસુફ પઠાણ ટીએમસીના બળવાખોરોની પંગતમાં બેઠા છે જે સુચક માનવામાં આવે છે.
જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સના સાંસદ રુહુલ્લાહ મેહદીએ તે દિવસની ઘટના યાદ કરતા જણાવ્યું કે, શિયાળુ સત્ર દરમિયાન આખો વિપક્ષ જઈંછ અને અન્ય મુદ્દાઓ પર ગૃહના વેલમાં આવીને નિર્ભયતાથી વિરોધ કરી રહ્યો હતો. તે સમયે 1 અગ્રણી મુસ્લિમ સાંસદ યુસુફ પઠાણ પર જોરજોરથી બૂમો પાડવા લાગ્યા અને તેમને પ્રદર્શનમાંથી હટી જવા કહ્યું. મેહદીના કહેવા પ્રમાણે, “આ ધમકી બાદ યુસુફ ખરેખર વિરોધ છોડીને પોતાની જગ્યાએ પાછા ફર્યા અને તેમના ચહેરા પર ભારે ડર દેખાતો હતો, તે લગભગ ધ્રૂજતા હતા. જ્યારે મેં યુસુફને પૂછ્યું કે તેઓ કેમ આટલા ડરી ગયા છે, ત્યારે યુસુફે જણાવ્યું કે પેલા સાંસદે તેમને કહ્યું હતું કે ’તમે ભાજપ સામે વિરોધ કરીને તેમને પોતાના દુશ્મન કેમ બનાવો છો? તેઓ ગુજરાતમાં તમારું ઘર બુલડોઝરથી ઉડાવી દેશે’.
આગા સૈયદ રુહુલ્લાહ મેહદીએ આગળ ખુલાસો કર્યો કે આ આખી ઘટના જોઈને TMC સાંસદ મહુઆ મોઇત્રા ત્યાં આવ્યા અને આખી વાત જાણી. વાત સાંભળતા જ મહુઆ ગુસ્સે થઈ ગયા અને તેમણે યુસુફ પઠાણને હિંમત આપતા કહ્યું કે, “તમારે પેલા માણસની વાત સાંભળવાની કોઈ જરૂૂર નથી. અમે બધા તમારી સાથે છીએ, આપણે એક છીએ અને કોઈની હિંમત નથી કે તમને કે તમારા પરિવારને આંગળી પણ અડાડી શકે.”
જોકે, મેહદીએ ઉમેર્યું કે તેમને મહુઆ મોઇત્રા અને TMC માટે ખરાબ લાગે છે કારણ કે જેમને પક્ષે સપોર્ટ કર્યો, તેમણે જ પીઠમાં છરો ભોંકવાનું કામ કર્યું છે. અહીં એ નોંધવું જરૂૂરી છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ ની અંદર મોટા ભાગલા પડ્યા હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. પક્ષના ઘણા સાંસદો અત્યારે નેતૃત્વ સામે બળવો પોકારી રહ્યા છે. આ બળવાખોર જૂથમાં બહેરામપુરના સાંસદ યુસુફ પઠાણ અને સયાની ઘોષ જેવા અગ્રણી ચહેરો સામેલ હોવાનું સામે આવ્યું છે, જેના કારણે પક્ષની અંદરનો આંતરિક વિખવાદ હવે સપાટી પર આવી ગયો છે.
