ગુંડાઓ સાથે સંબંધ ધરાવનાર પોલીસ દાદા ઘરભેગા થશે: ગૃહ મંત્રી હર્ષ સંઘવી

સંઘવીની પોલીસને ચેતવણી, સુધરી જજો નહીં તો ઘરે બેસવાનો વારો આવશે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ નિવેદનમાં જણાવ્યું હતું કે જે પોલીસ અધિકારીઓ…

સંઘવીની પોલીસને ચેતવણી, સુધરી જજો નહીં તો ઘરે બેસવાનો વારો આવશે

ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ નિવેદનમાં જણાવ્યું હતું કે જે પોલીસ અધિકારીઓ લુખ્ખા અને અસામાજિક તત્વો સાથે સંબંધ રાખશે તેમની નોકરી જશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે રાજ્ય સરકાર આવા તત્વોને કોઈપણ ભોગે બક્ષશે નહીં અને તેમની સાથે સાંઠગાંઠ ધરાવતા પોલીસ કર્મચારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. અને તેમને ઘરે બેસાડી દેવાશે.

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યમાં અસામાજિક તત્વોની તપાસ અલગ અલગ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે. તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે જો કોઈ પોલીસવાળો આવા તત્વો સાથે બેસતો-ઊઠતો જણાશે અથવા તેમની સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક રાખતો હશે તો તેને તાત્કાલિક નોકરીમાંથી બરતરફ કરવામાં આવશે. આ ઉપરાંત, વારંવાર આતંક મચાવનારા લોકો સામે પગલાં લેવામાં નિષ્ફળ રહેનાર સ્થાનિક પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલા નિવેદનો અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે પોલીસ રાજ્યમાં લુખ્ખા તત્વો ઉપર કડકાઈથી પગલાં લઈ રહી છે. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા ગૃહમાં પૂછવામાં આવેલા પ્રશ્નોનો જવાબ આપતા સંઘવીએ જણાવ્યું હતું કે અમિતભાઈ ગૃહમાં લાંબા પ્રશ્નો પૂછે છે, પરંતુ બહાર ટપોરીઓના મુદ્દે સહાનુભૂતિ દર્શાવે છે. તેમણે કોંગ્રેસના નેતાઓ પર સુરતને બદનામ કરવાનું અભિયાન ચલાવવાનો આરોપ પણ લગાવ્યો હતો અને કહ્યું હતું કે તેઓ એનસીઆરબીના ડેટાના આધારે સુરતની ખોટી છબી રજૂ કરી રહ્યા છે. સંઘવીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ગુજરાત ઝડપથી ન્યાય અપાવવામાં દેશમાં અવ્વલ છે અને અગાઉના વર્ષોની સરખામણીમાં રાજ્યમાં ગુનાઓનું પ્રમાણ પણ ઘટ્યું છે.

આ ઉપરાંત, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કર્ણાટક સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા એક બિલ અંગે પણ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ દ્વારા કર્ણાટકમાં જે બિલ પસાર કરવામાં આવ્યું છે તે તેમની માનસિકતાને સ્પષ્ટપણે દર્શાવે છે. તેમણે આ નિર્ણયને નિમ્ન કક્ષાનો ગણાવતા કહ્યું હતું કે દેશના કોઈપણ રાજ્યમાં પહેલીવાર સરકારી ટેન્ડરમાં મુસ્લિમ સમાજને 4 ટકાનું રિઝર્વેશન આપવામાં આવ્યું છે. સંઘવીએ કર્ણાટક સરકાર પર વિવિધ ચૂંટણીઓમાં આપેલા વચનો પૂરા કરવા માટે સરકાર પાસે નાણાં ન હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કર્ણાટક સરકારના આ નિર્ણયને વખોડ્યો હતો અને ભગવાન તેમને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *