શહેરના થોરાળા વિસ્તારમાં રહેતી એક 24 વર્ષીય પરિણીતા સાથે છેડતી કરી અને અપશબ્દો બોલવાની ઘટના સામે આવી છે.આ ઘટનામાં મયુર ખીમસૂરિયા,જયદીપ ખીમસૂરિયા અને જયુ ચાવડા સામે છેડતી અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે.પ્રાપ્ત વિગતો મુજબ,ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગત 5 મે 2026ના રોજ સાંજના આશરે સાતેક વાગ્યાની આસપાસ ભોગ બનનાર મહિલા પોતાના ઘરની બહાર લોટ દળાવવા માટે ટુ-વ્હીલર લઈને જઈ રહી હતી. આ દરમિયાન ગૌકુળ પરા શેરી નંબર 06 ના છેડે ત્રણેય આરોપીઓએ તેમનો રસ્તો રોક્યો હતો. મુખ્ય આરોપી મયુર ખીમસુરીયાએ મહિલાને ઉદ્દેશીને ધમકીભર્યા સૂરમાં જણાવ્યું હતું કે, “તે મારા વિરૂૂદ્ધમાં પાંચેક દિવસ અગાઉ થોરાળા પોલીસ સ્ટેશનમાં અરજી કરેલ છે, પણ તું મારું કાઈ બગાડી નહીં શકે.”
આરોપી મયુરની સાથે અન્ય બે શખ્સો જયદીપ ખીમસુરીયા અને જયુ ચાવડા પણ સ્થળ પર હાજર હતા. આ ત્રણેય શખ્સોએ મહિલાને ગાળો આપી અપમાનિત કરવાનું શરૂૂ કર્યું હતું. વાત આટલેથી ન અટકતા, આરોપી મયુર ખીમસુરીયાએ જાહેરમાં મહિલાની સાડી ખેંચી છેડતી કરી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. મહિલાએ હિંમત દાખવી બુમાબુમ કરતા આસપાસના લોકો અને તેમના પરિવારના સભ્યો દોડી આવ્યા હતા, જેને પગલે ત્રણેય શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા.
ગભરાયેલી મહિલાએ તાત્કાલિક 112 નંબર પર ફોન કરીને પોલીસની મદદ માંગી હતી. પોલીસ વાન ઘટનાસ્થળે પહોંચતા મહિલાને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી, જ્યાં તેમણે ત્રણેય શખ્સો વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે. થોરાળા પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 76, 352 અને 54 હેઠળ ગુન્હો દાખલ કર્યો છે. આ કેસની વધુ તપાસ પીએસઆઇ ધાંધલ ચલાવી રહ્યા છે અને ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
