શહેરની ભાગોળે લાપાસરી રોડ અને આજી ડેમ ચોકડી પાસે માનસરોવર પાર્કમાં પોલીસે જુગારના બે દરોડા પાડી પત્તા ટીચતા ચાર મહિલા, ત્રણ વેપારી સહિત 10 શખ્સોને ઝડપી લઈ પટમાંથી રૂા.21000ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ, આજી ડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સંજય મિયાત્રા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.
દરમિયાન કોઠારીયા ગામથી લાપાસરી જવાના રસ્તે સ્ટ્રીટલાઈટના અજવાડે જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી પત્તા ટીચતા વેપારી રાજુ જાદવભાઈ ગોહિલ (રહે. રામ પાર્ક), મનસુખ દાનાભાઈ પરસાડીયા (રહે.કોઠારીયા ગામ), રમેશ કચરાભાઈ પરસાડીયા (રહે.કોઠારીયા ગામ), ચંદુ લક્ષ્મણભાઈ ઠુંમર (રહે.આશાપુરાનગર કોઠારીયા રોડ), કૈલાસબેન સુરેશભાઈ રોજાસરા (રહે. ગંજીવાડા) અને લીલાબેન લક્ષ્મણભાઈ ઠુંમર (રહે. આશાપુરાનગર)ને ઝડપી લઈ પટમાંથી રૂા.11150ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બીજા દરોડામાં આજી ડેમ પોલીસે બાતમીના આધારે આજી ડેમ ચોકડી નજીક માનસરોવર પાર્ક શેરી નં.1માં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતાં હિતેશ જેન્તીભાઈ જાદવ (રહે.રૈયાધાર), જિગ્નેશ દેવાયતભાઈ જડુ (રહે.કાલાવડ રોડ આવાસ કવાર્ટર), સકીલાબેન સબીરભાઈ કાદરી (રહે.રૈયાધાર) અને જયાબેન ધરમશીભાઈ શીંગડ (રહે.માનસરોવર પાર્ક)ને ઝડપી લઈ પટમાંથી રૂા.10540ની રોકડ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
