સુરત: હર્ષ પંડ્યા આપઘાત કેસમાં રેગિંગનો ખુલાસો, 4 સિનિયર રેસિડેન્ટ 6 મહિના માટે સસ્પેન્ડ

      સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ અને કોલેજ તંત્ર દ્વારા હાથ ધરાયેલી…

 

 

 

સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ અને કોલેજ તંત્ર દ્વારા હાથ ધરાયેલી તપાસમાં મૃતક ડૉ. હર્ષ પંડ્યાનું તેના સિનિયરો દ્વારા માનસિક ત્રાસ આપીને રેગિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.

રેગિંગની ગંભીર ફરિયાદો સામે આવ્યા બાદ કોલેજ અને હોસ્પિટલ પ્રશાસને ચાર સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરો સામે કડક કાર્યવાહી કરી છે. ચારેયને આગામી છ મહિના માટે હોસ્પિટલ, હોસ્ટેલ તેમજ તમામ પ્રકારની ટીચિંગ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

મૂળ અરવલ્લીના મોડાસાના વતની ડૉ. હર્ષ સુભાષચંદ્ર પંડ્યા સુરતની ગવર્નમેન્ટ મેડિકલ કોલેજમાં માઈક્રોબાયોલોજી વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હતા અને સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતા હતા.

9 ઓગસ્ટના રોજ સવારે હર્ષ પોતાની નિયમિત ફરજ પર હાજર ન થતાં સિનિયર ડૉક્ટરે તેમને ફોન કર્યો હતો. જોકે ફોન બંધ આવતાં હોસ્ટેલમાં રહેતા અન્ય રેસિડેન્ટ ડૉક્ટરને તેમના રૂમ પર મોકલવામાં આવ્યા હતા.રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. ઘણી કોશિશ છતાં દરવાજો ન ખૂલતાં સિક્યોરિટી સ્ટાફની મદદથી દરવાજો તોડવામાં આવ્યો હતો. અંદર હર્ષ પંખા સાથે દોરીથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં સિવિલ હોસ્પિટલના અધિકારીઓ, તબીબી સ્ટાફ અને ખટોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
આ બનાવને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ગંભીરતાથી લેતા તપાસ કમિટી રચવાનો આદેશ આપ્યો હતો. નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક અને મેડિકલ કોલેજના ડીનની અધ્યક્ષતામાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

સૌથી કરુણ વાત એ છે કે હર્ષની ગત ફેબ્રુઆરીમાં જ માઈક્રોબાયોલોજી વિભાગમાં એડમિશન થયું હતું. છ મહિના પહેલા તેની સગાઈ પણ થઈ હતી અને ડિસેમ્બરમાં લગ્ન થવાના હતા. પરંતુ લગ્નના સપના સાકાર થાય તે પહેલાં જ પરિવારનો એકનો એક લાડકવાયો દીકરો મોતને ભેટ્યો.

હર્ષના મોત અંગે પરિવારજનોએ શંકા વ્યક્ત કરતાં તેનું ફરી ફોરેન્સિક પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ફોરેન્સિક તપાસમાં ફાંસો ખાવાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે.

હાલ ખટોદરા પોલીસે હર્ષનો મોબાઈલ ફોન અને લેપટોપ કબજે કર્યા છે. જ્યારે FSLની ટીમ દ્વારા તેના રૂમમાંથી મળેલી વસ્તુઓ અને સંભવિત પુરાવાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.

હવે પોલીસ તપાસનો મુખ્ય મુદ્દો એ છે કે હર્ષને રેગિંગ અને માનસિક ત્રાસ કેટલો આપવામાં આવતો હતો અને આ સમગ્ર ઘટનામાં અન્ય કોઈની ભૂમિકા હતી કે કેમ.એક યુવા રેસિડેન્ટ ડૉક્ટરના મોત બાદ સામે આવેલા રેગિંગના આ આક્ષેપોએ સુરતની તબીબી વ્યવસ્થા અને રેસિડેન્ટ ડૉક્ટરોની સુરક્ષા સામે પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *