મોરબી રોડ પર જુગારધામમાં પોલીસનો દરોડો: 9 શખ્સો 33 હજારથી વધુની રોકડ સાથે ઝડપાયા

શહેરના મોરબી રોડ પર આવેલી શિવધારા સોસાયટી નજીક લોકમાન્ય તિલક ટાઉનશીપમાં મોડી રાત્રે બી-ડીવીઝન પોલીસની ટીમે એક સફળ ઓપરેશન હાથ ધરીને ફ્લેટમાં ચાલતા મોટા જુગારધામનો…

શહેરના મોરબી રોડ પર આવેલી શિવધારા સોસાયટી નજીક લોકમાન્ય તિલક ટાઉનશીપમાં મોડી રાત્રે બી-ડીવીઝન પોલીસની ટીમે એક સફળ ઓપરેશન હાથ ધરીને ફ્લેટમાં ચાલતા મોટા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. પોલીસ દ્વારા પત્તાનો જુગાર રમતા કુલ નવ શખ્સોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, મુખબિર પાસેથી મળેલી ચોક્કસ અને ખાનગી માહિતીના આધારે આ સફળ કાર્યવાહી કરવામાં આવી હતી, જેના પગલે સ્થાનિક વિસ્તારમાં જુગાર રમતા અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ કટિબદ્ધ બની છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, બી-ડીવીઝન પોલીસ સ્ટેશનના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ સુખદેવભાઈ રામભાઈ દાંતી અને તેમનો સ્ટાફ જ્યારે વિસ્તારમાં રાત્રિ પેટ્રોલીંગમાં હતો, ત્યારે હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે મોરબી રોડ પર આવેલ લોકમાન્ય તિલક ટાઉનશીપના વિંગ-સીના ફ્લેટ નંબર 105માં રહેતો અફઝલ રહીમભાઈ મેતર બહારથી જુગારીઓને બોલાવી પોતાના ઘરમાં નાલ ઉઘરાવીને ગંજીપાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમે છે અને રમાડે છે.

આ માહિતીના આધારે પોલીસે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી બે રાહદારી પંચોને સાથે રાખીને ફ્લેટ પર દરોડો પાડ્યો હતો. ફ્લેટનો દરવાજો અર્ધખુલ્લો હોવાથી પોલીસે અંદર પ્રવેશતા જ નવ શખ્સો કુંડાળું વળીને જુગાર રમતા મળી આવ્યા હતા.

પોલીસની રેઇડ દરમિયાન સ્થળ પરથી મુખ્ય સુત્રધાર અફઝલ મેતર (ઉં.વ. 35) ઉપરાંત જુગાર રમતા સિકંદર ઉર્ફે સિકો આમદભાઈ ખેભર (ઉં.વ. 44), વસીમભાઈ હુશેનભાઈ કાદરી (ઉં.વ. 35), સંકેતભાઈ હરસુખભાઈ સોલંકી (ઉં.વ. 33), જયદિપભાઈ વિનોદભાઈ આંબલીયા (ઉં.વ. 37), વિશાલભાઈ સવજીભાઈ ભાડ (ઉં.વ. 29), રાજેશભાઈ હસમુખભાઈ કોટેચા (ઉં.વ. 47), જાકીરભાઈ જુસબભાઈ જનર (ઉં.વ. 44) અને ભાવેશભાઈ રમેશભાઈ સવાણી (ઉં.વ. 47) નામના શખ્સો ઝડપાયા હતા. પોલીસે આ તમામ આરોપીઓની અંગઝડતી તેમજ પટમાંથી કુલ રૂૂપિયા 33,180ની રોકડ રકમ અને 52 નંગ ગંજીપત્તા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *