જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના પાટણ ગામમાં ગઈકાલે બપોરે પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, ત્યારે નાશ ભાગ થઈ હતી. પોલીસે એક આરોપીને ઝડપી લીધો હતો, જ્યારે બે મોટરસાયકલ સહિત કેટલુંક સાહિત્ય કબજે કર્યું હતું. જ્યારે 3 શખ્સો ભાગી છૂટ્યા હોવાથી તેઓને ફરારી જાહેર કરાયા છે.
જામજોધપુરની પોલીસ ટુકડી એ પૂર્વ બાતમીના આધારે ગઈકાલે બપોરે 3.45 વાગ્યાના અરસામાં પાટણ ગામમાં જુગાર અંગે દરોડો પાડયો હતો. વાછરાદાદા ના મંદિરની બાજુમાં કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમી રહ્યા હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી સંદીપ ઉર્ફે કારો નારણભાઈ બારોટ નામના શખ્સને ઝડપી લીધો હતો, જ્યારે પોલીસને જોઈને કાનાભાઈ ઉર્ફે ભાણો વિરમભાઈ ઓડેદરા, કેશુભાઈ શારદુલભાઇ ગોહિલ, અને વિક્રમ ઉર્ફે બકાલી ઘેલાભાઈ પરમાર નામના અન્ય ત્રણ શખ્સો ત્યાંથી ભાગી છુટ્યા હતા. પોલીસે બનાવના સ્થળેથી 800 રૂૂપિયા ની રોકડ રકમ તેમજ ફરાર થઈ ગયેલા શખ્સો ના બે મોટરસાયકલ વગેરે કબજે કરી લીધા હતા. આ બનાવ અંગે જામજોધપુર પોલીસ મથકમાં જુગાર ધારા ભંગ-બદલ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં ત્રણ શખ્સોને ફરારી જાહેર કરાયા છે. જેને પોલીસ શોધી રહી છે.
