રંગિલા રાજકોટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનો પાવન તહેવાર અત્યંત ઉત્સાહ, આસ્થા અને ધામધૂમપૂર્વક ઉજવવાની તૈયારીઓ આખરી ઓપ લઈ રહી છે. શહેરમાં આગામી તા. 14/09/2026ના રોજ વિઘ્નહર્તા શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના થવાની છે. ગણેશોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, ટ્રાફિકની સમસ્યા સર્જાય નહીં અને સુરક્ષા સુનિશ્ચિત થાય તે હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા એક વિશેષ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. શહેરમાં આયોજિત થતા સાર્વજનિક ગણેશ મહોત્સવો માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં વિવિધ વિસ્તારોના 250થી વધુ સાર્વજનિક ગણેશોત્સવ આયોજકો દ્વારા કરાયેલી અરજીઓને ચકાસણી બાદ પોલીસે મંજૂરી આપી દીધી છે. પોલીસ તંત્ર દ્વારા આયોજકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જાહેરનામામાં દર્શાવેલા તમામ નિયમો અને ફાયર સેફ્ટીના માપદંડોનું ફરજિયાતપણે ચુસ્ત પાલન કરવાનું રહેશે.
રાજકોટ પોલીસ કમિશનરે ગુજરાત તથા મહારાષ્ટ્ર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા પર્યાવરણ રક્ષણ અંગે આપવામાં આવેલા આદેશો અને સરકારી ઠરાવોને ધ્યાને રાખીને આ ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં કોઈ પણ ધર્મ કે સમુદાયની ધાર્મિક લાગણી દુભાય તેવા ચિન્હો, નિશાની કે વાંધાજનક રૂૂપ ધરાવતી ગણેશજીની મૂર્તિઓના નિર્માણ, ખરીદ-વેચાણ અને સ્થાપના પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સ્થાપના તથા વિસર્જન શોભાયાત્રા માટે પોલીસ પરમિટમાં જે રૂૂટ મંજૂર કરવામાં આવ્યો હોય, તે જ રૂૂટ પર સરઘસ યોજી શકાશે. અન્ય કોઈ બિનઅધિકૃત રૂૂટ પરથી સરઘસ લઈ જવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.
ભાવિક ભક્તો દ્વારા ત્રીજા, પાંચમા, સાતમા, નવમા અને મોટાભાગના આયોજકો દ્વારા અગિયારમા દિવસે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે. આ તમામ દિવસો દરમિયાન વિસર્જન યાત્રામાં ટ્રાફિક સુચારૂૂ રહે તે માટે પોલીસ વિભાગ સજ્જ રહેશે. પંડાલ માટે ફાયર સેફ્ટી અને સીસીટીવી ફરજિયાત સુવિધાયુક્ત અને સુરક્ષિત આયોજન માટે પોલીસ કમિશનરે પંડાલ નિર્માણ અંગે ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે.
જેમાં દરેક સાર્વજનિક ગણેશ પંડાલમાં ફરજિયાતપણે યોગ્ય ક્ષમતાવાળા સીસીટીવી કેમેરા ગોઠવવાના રહેશે. આ ઉપરાંત, અગ્નિશામક યંત્રો રાખવા ફરજિયાત છે. અગ્નિશામક સાધનો વિના પંડાલ યોજવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. પંડાલમાં લાઉડ સ્પીકર વગાડવા માટે સ્થાનિક પોલીસ મથકમાંથી આગોતરી પરવાનગી લેવાની રહેશે. શહેરના મુખ્ય માર્ગો અને શેરીઓમાં વાહનવ્યવહાર ખોરવાય નહીં તે માટે આયોજકોને ગણેશ પંડાલ શક્ય હોય તેટલા નાના અને મર્યાદિત કદના રાખવા પોલીસે અનુરોધ કર્યો છે.
પોલીસ કમિશનરે શહેરના તમામ નાગરિકો અને સાર્વજનિક મંડળોને અપીલ કરી છે કે તેઓ પોલીસ તંત્ર દ્વારા જાહેર કરાયેલા આ જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરે અને રાજકોટની શાંતિ, સલામતી અને કોમી સૌહાર્દ જળવાઈ રહે તે રીતે ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરે. નિયમોનો ભંગ કરનાર આયોજકો કે ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે. રાજકોટ શહેરના 250 જેટલા સાર્વજનિક ગણેશ મહોત્સવના આયોજકો સાથે પોલીસે એક મીટીંગ બોલાવી હતી,જેમાં નિયમોનો કડક અમલ કરવા ખાસ સુચના આપવામાં આવી છે.
