શાપર દરબારગઢ
અંદાજે 1 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. શાપર રાજવી પરિવારના ગિરાસદાર 77 વર્ષીય જીતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાના પત્ની રાજકોટ ખાતે રહેતા તેમના પુત્રના ઘરે ગયા હોય ત્યારે જીતેન્દ્રસિંહ ઘરમાં એકલા હતા, ત્યારે 5થી 7 જેટલા અજાણ્યા બુકાનીધારી શખસો ઘરના પાછળનો દરવાજો તોડી અંદર ઘૂસી આવ્યા હતા.
લૂંટારુઓએ જીતેન્દ્રસિંહને બંધક બનાવી લીધા હતા અને ઘરમાં રાખેલી માતબર રકમ તથા દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. પ્રાથમિક વિગતો અનુસાર, લૂંટારુઓ ઘરમાંથી 2.47 કરોડ રૂૂપિયા રોકડા અને આશરે 5થી 7 તોલા સોનાના દાગીના તેમજ જીતેન્દ્રસિંહની પરવાનાવાળી રાયફલ લુંટી ફરાર થઇ ગયા હતા.
ભોગ બનનાર જીતેન્દ્રસિંહ જાડેજા જેઓ શાપર રાજવી ગીરસદાર પરિવાર છે, તે ખેતી, પેટ્રોલ પંપ તેમજ પ્લોટિંગના મોટા વ્યવસાય સાથે સંકળાયેલો છે, જેથી ઘરમાં આટલી મોટી રકમ રાખવામાં આવી હોવાનું મનાય છે.કરોડોની લૂંટની આ ઘટનાની જાણ થતાં જ જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર, ડીવાયએસપી ઝાલા, શાપર વેરાવળના પી.આઈ આર.બી.રાણા સહિતના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ મામલે જીતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાની ફારીયાદને આધારે શાપર વેરાવળ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે.
શાપર વેરાવળમાં દરબારગઢમાં રાજવી પરિવારના ઘરે ત્રાટકેલા લુંટારૂઓએ રાજવી પરિવારના મોભીને બંધક બનાવી અઢી કરોડની લુંટ ચલાવ્યા બાદ આ બાબતે જિતેન્દ્રસિંહે પોતાના પુત્રને અને પોલીસને જાણ કરી હતી. રાજકોટ ખાતે રહેતા તેમના પુત્ર તથા પોલીસ અધિકારીઓ આ બનાવની જાણ થતા શાપર ખાતે આવેલા દરબારગઢ ખાતે દોડી ગયા હતા. પ્રાથમિક તપાસ બાદ પોલીસે આ લુંટની ઘટનાના કલાક બાદ લુંટારૂઓની માહિતી મેળવવા માટે દરબારગઢમાંથી જ ડ્રોન ઉડાડયું હતું.
જોકે પોલીસના ડ્રોનમાં લુંટારૂઓની કોઇ માહિતી કે ફુટેજ મળ્યા ન હતા. દરબારગઢમાં રાજવી પરિવારની પરવાનાવાળી બાર બોરની બંધુક અને એક રાઇફલ હતી. જેમાંથી રાઇફલ લુંટારૂઓ ઉઠાવી ગયા હતા.
મોઢે બુકાની પહેરી આવેલા પાંચથી સાત લુંટારૂઓમાં બે લુંટારૂઓએ રાજવી પરિવારના મોભી જિતેન્દ્રસિંહને પછાડીને લોખંડનો સળીયો છાતી ઉપર રાખી દીધો હતો અને ટોળકીના અન્ય સભ્યોએ ઘરમાં રાખેલા સામાનને વેર વિખેર કરી રોકડ અને સાત તોલા દાગીના તેમજ રાયફલની લુંટ ચલાવી હતી.
આ ઘટના બાદ આજે સવારે રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર ઘટના સ્થળ ખાતે દોડી ગયા હતા. રેન્જ આઇજીએ જાતે સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું અને આ ઘટનાનો ભેદ ઉકેલવા માટે તાત્કાલીક ટીમની રચના કરી સૌરાષ્ટ્રભરમાં અને જિલ્લામાં નાકાબંધી કરી સઘન ચેકીંગ કરવા આદેશ આપ્યો હતો.
