હેલ્મેટની આગ ઠારવા પોલીસ ટાઢી પડી, દંડના બદલે ગુલાબગીરી

પ્રથમ દિવસે 3500 લોકોને દંડ ફટકાર્યા બાદ બીજા દિવસે હેલ્મેટ પહેરીને નીકળેલા વાહનચાલકોને ગુલાબ આપી બિરદાવ્યા રાજકોટમાં ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ પહેરવાનો કાયદો ફરજિયાત…

પ્રથમ દિવસે 3500 લોકોને દંડ ફટકાર્યા બાદ બીજા દિવસે હેલ્મેટ પહેરીને નીકળેલા વાહનચાલકોને ગુલાબ આપી બિરદાવ્યા

રાજકોટમાં ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ પહેરવાનો કાયદો ફરજિયાત અમલમાં મુકાયો છે ત્યારે સામે પક્ષે શહેર વિસ્તારમાં હેલ્મેટ ના હોવું જોઇએ તેવો સૂર વ્યક્ત કરીને લોકોએ વિરોધ કર્યો હતો. હેલમેટના કાયદાના અમલને લઈને પોલીસ એક જ દિવસમાં 3500 લોકોને પકડીને દંડ ફટકાર્યો હોય હેલમેટના કાયદાના કડક અમલને પગલે રાજકોટવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી અને લોકોએ સોશ્યલ મીડિયા તેમજ ટ્રાફીક પોલીસ સમક્ષ પોતાનો રોષ ઠાલવીને નેતાઓને પણ આ અંગે જવાબદાર ઠેરવીને ગાળો ભાંડી હતી. હેલમેટના અમલને લઈને રાજકોટ શહેરમાં લાગેલી આગને ઠારવા સ્થિતિ પારખી ગયેલ પોલીસે બીજા દિવસે દંડના બદલે ગુલાબગીરી કરી હેલમેટના નિયમનો અમલ કરનાર નાગરિકોને ગુલાબ આપીને સન્માન કર્યુ હતું.

પોલીસે ગઈકાલે હેલમેટના નિયમને લઈને કરેલી કાર્યવાહીથી ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકજુવાળ ઉભો થતાં અંતે આ મામલે નેતાઓએ પણ પોતાની શીટ બચાવવા પોલીસને ટાઢી પડવા માટે ટેલીફોનીક સુચના આપ્યા બાદ આજે બીજા દિવસે અચાનક જ પોલીસે પલટી મારી હેલમેટનાં ચેકીંગ ઉપર બ્રેક મારી દીધી હતી અને નિયમનું પાલન કરીને હેલમેટ પહેરીને નીકળેલા વાહન ચાલકોનું ગુલાબ આપીને સન્માન કર્યુ હતું.
શહેરનાં ભક્તિનગર સર્કલ, કિશાનપરા ચોક, જામટાવર, યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ સહિતનાં વિસ્તારોમાં આજે પોલીસે ચેકીંગના બદલે ગુલાબગીરી કરી દંડ વસૂલવાની કામગીરી ઉપર બ્રેક લગાવી દીધી હતી.

રાજકોટમાં હેલ્મેટની અમલવારીને લઈને શહેર પોલીસ કમિશનર બ્રિજેશ ઝા દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેમણે કહ્યું કે આજથી દોઢ મહિના પહેલા શહેરના વિવિધ અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ 8 તારીખથી હેલ્મેટ ફરજિયાત કરવાની નક્કી કરેલું હતું અને આ માટે લોકોને દોઢ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો . હેલ્મેટ અંગે જાગૃતિ કાર્યક્રમ ને પગલે મોટા પ્રમાણમાં લોકોએ હેલ્મેટ પહેરીને કાયદાની અમલવારી અંગે સહકાર આપ્યો છે . જેનો અમે નાગરિકોનો આભાર માનીએ છીયે.

આ કાયદાને લઈને અમલવારી માં સહયોગ આપવા અને સાથે સોશિયલ મેસેજ પણ સારો જઈ રહ્યો છે . સામાન્ય અને મધ્યમવર્ગ ના લોકો અને યુવાઓ મોટરસાયકલ ચલાવે છે કોઈ દુર્ઘટના બને છે તેના કારણે પરિવાર ઉપર મોટું સંકટ આવે છે . આ માટે હેલમેટ જરૂૂરી છે જેથી પરિવાર ઉપર કોઈ મુશ્કેલી ન આવે , હેલમેટ ન પહેરવાને પગલે મોટી મુશ્કેલી આવે છે તેને બચાવના ભાગ રૂૂપે હેલમેટ જરૂૂરી છે.

અકસ્માતો ઘટાડવા હેલ્મેટના કાયદાનો અમલ કરાવવાને બદલે બ્લેક સ્પોટ ઘટાડવા જરૂરી
રોડ ઉપર બનતા ફેટલ અકસ્માતના બનાવો રોકવા માટે હેલમેટ પહેરવું જરૂરી છે. તેવું પોલીસનું કહેવું છે. જો કે હેલમેટ એ સુરક્ષા માટે છે પરંતુ હેલમેટના કાયદાના અમલ સાથે અકસ્માત ઝોન ગણાતા રસ્તાઓ ઉપર બ્લેક સ્પોર્ટ ઘટાડવામાં આવે તો અકસ્માતો ઓછા થઈ શકે છે. રાજકોટ શહેરમાં તેમજ આસપાસના વિસ્તારોમાં બનેલા ગંભીર અકસ્માતના બનાવોમાં ટ્રાફીક શાખાના અધિકારીઓ તેમજ પોલીસ કમિશ્નર દ્વારા પણ જાતે આવા બ્લેક સ્પોર્ટની વિઝીટ ભૂતકાળમાં કરવામાં આવી હોય ત્યારે આજે પત્રકાર પરિષદમાં રાજકોટ શહેરમાં અકસ્માત ઝોન ગણાતા બ્લેક સ્પોર્ટ કેટલા ? તે બાબતના પ્રશ્ર્નો અંગે પોલીસ કમિશ્નરને પણ આ અંગે ચોક્કસ આકડાઓ ન હોય તેમજ શહેરમાં તેમજ આસપાસના અકસ્માત ઝોનમાં બનેલા બનાવો બાદ કેટલા બ્લેક સ્પોર્ટ ઘટાડવામાં આવ્યા તે અંગેની માહિતી હજુ સુધી પોલીસ પાસે નથી ત્યારે હેલમેટના કાયદાનો અમલ કરાવવા ઉતરી પડેલી પોલીસને આ અંગે પણ કાર્યવાહી કરે તે જરૂરી છે.

 

નિયમનું પાલન કરનારનો આભાર: પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા
ગઈકાલે હેલમેટના નિયમનો કડક અમલ કરાવવા રાજકોટ શહેર ભરની પોલીસ રસ્તા પર ઉતરી પડી હતી અને જેને લઈને વાહન ચાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. હેલમેટની લાગેલી આગથી રાજકોટના રાજકારણમાં પણ ભારે ગરમાવો આવ્યો હતો. સ્થિતિ પારખી ગયેલા નેતાઓએ અંતે પોલીસને હળવા થઈને કામ કરવા અંદર ખાંને સુચના આપ્યા બાદ પોલીસ કમિશનરે હેલમેટના નિયમનો અમલ કરનાર રાજકોટવાસીઓનો આભાર માન્યો હતો. રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ કહ્યું કે હેલ્મેટ પહેરવા માટે લોકોને પોલીસે સન્માનિત કર્યા છે અને અમે નાગરિકોનો આભાર માનીયે છીએ. તેમણે કહ્યું કે લોકોને દોઢ મહિનાનો સમય અપાયો હતો. હેલ્મેટ ન પહેરવાને પગલે મોટી મુશ્કેલી આવે છે અને દુર્ઘટના બને ત્યારે પરિવાર ઉપર મોટું સંકટ આવે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *