દર્દીના સામાન અને નાણાની ચોરીના બનાવો અટકાવવા પોલીસ એક્શન મોડમાં
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ પી.ડી.યુ.સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ કારણોસર વિવાદમાં રહેતી હોય છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના પરિવારજનોના માલસામાનની ચોરીના બનાવો વધી રહ્યાં હોય અને સિવિલમાં અસામાજિક તત્વોનો જમાવડો થતો હોય જેને લઈ પ્ર.નગર પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને હોસ્પિટલ પંટાગણમાં પડયા પાથર્યા રહેતાં લુખ્ખા તત્વોને હાંકી કાઢવામાં આવ્યા હતાં.
સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના સગાઓનું સુરક્ષાના નામે મીંડુ હોય અવારનવાર દર્દીઓના ખીસ્સા કપાઈ જતાં હોવાની ફરિયાદો સામે આવતી હોવા છતાં સિકયોરિટી સ્ટાફ દ્વારા કોઈ પગલાં લેવાતાં ન હોવાની બુમરાણો ઉઠવા પામી હતી. આ ઉપરાંત સિવિલમાં નશાખોરો અને લુખ્ખા શખ્સો પડયા પાથર્યા રહેતાં હોય જેથી ગુનાખોરીનું પ્રમાણ પણ વધી રહ્યું હતું. જેને લઈ પ્ર.નગર પોલીસ સ્ટાફ દ્વારા આજે સિવિલ હોસ્પિટલમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સિવિલ હોસ્પિટલમાં કોઈ દર્દી દાખલ ન હોવા છતાં પડયા પાથર્યા રહેતાં અસામાજિક તત્વોને પકડી તેમને હાંકી કાઢવામાં આવ્યા હતાં. સિવિલ હોસ્પિટલના પંટાગણ, પાર્કીંગ એરિયા અને વોર્ડની આસપાસના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં અવારનવાર દર્દીઓ અને તેમના પરિવારજનોના કિંમતી માલસામાન અને રોકડ રકમની ચોરીના બનાવો બનતા રહે છે. તાજેતરમાં જ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીના મૃત્યુ બાદ તેનાં ખીસ્સામાંથી રૂા.19 હજારની રોકડ ગાયબ થઈ ગયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. ત્યારે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના પરિવારજનોની સુરક્ષાને ધ્યાને લઈ પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ નિયમીત ચેકીંગ હાથ ધરવામાં આવશે અને રાત્રે પણ ચેકીંગ હાથ ધરી લુખ્ખા શખ્સો અને પડયા પાથર્યા રહેતા આવારા તત્વો વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.
