શહેરમાં પોલીસનું મધરાત્રે ચેકિંગ, અનેક વાહનો ડીટેઇન

નંબર પ્લેટ વિના, ડાર્ક ફિલ્મવાળા અને લાઈસન્સ વિના વાહન લઇને નીકળેલા ચાલકો સામે કાર્યવાહી રંગીલા રાજકોટ શહેરમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને ટ્રાફિક નિયમોનું કડકપણે…

નંબર પ્લેટ વિના, ડાર્ક ફિલ્મવાળા અને લાઈસન્સ વિના વાહન લઇને નીકળેલા ચાલકો સામે કાર્યવાહી

રંગીલા રાજકોટ શહેરમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને ટ્રાફિક નિયમોનું કડકપણે પાલન કરાવવાના ઉદ્દેશ્ય સાથે પોલીસ કમિશ્નર દ્વારા નંબર પ્લેટ વિનાના વાહનોને ઇંધણ નહિ આપવાના હુકમ બાદ, શહેરમાં પોલીસ દ્વારા એક વિશેષ અને વ્યાપક ’મેગા ડ્રાઈવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના સૌથી વ્યસ્ત અને મુખ્ય એવા રેસકોર્સ સહિતના વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલા આ સઘન ચેકિંગ અભિયાન દરમિયાન ટ્રાફિકના વિવિધ નિયમોનો ભંગ કરતા અસંખ્ય વાહનચાલકો સામે દંડાત્મક અને કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ડ્રાઈવથી નિયમભંગ કરતા વાહનચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. મળતી વિગતો અનુસાર, પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાની સુચનાથી ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓમાં માર્ગદર્શન હેઠળ રેસકોર્સ સહિતના વિસ્તારોમાં ટ્રાફિક પોલીસની અલગ-અલગ ટીમ દ્વારા ખાસ પોઈન્ટ ગોઠવીને વાહન ચેકિંગ શરૂૂ કરવામાં આવ્યું હતું.

આ ચેકિંગ દરમિયાન ખાસ કરીને ટુ-વ્હીલર વાહનચાલકો માટે નંબર પ્લેટ વિનાના વાહન, ડ્રાઇવિંગ લાયસન્સ વિના વાહન ચલાવવું, કાર ચાલકો દ્વારા સીટબેલ્ટ ન બાંધવો, વાહનોની કાચ પર ગેરકાયદેસર રીતે ડાર્ક ફિલ્મ (બ્લેક ફિલ્મ) લગાવવી તેમજ નિયમ વિરુદ્ધની એચ.આર.પી.એમ. વગરની કે ફેન્સી નંબર પ્લેટો રાખવી વગેરે બાબતો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.પોલીસ કાફલા દ્વારા અચાનક હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં ટ્રાફિક નિયમોનો અનાદર કરનારા અનેક ચાલકો સ્થળ પર જ પકડાઈ ગયા હતા. પોલીસે નિયમનો ભંગ કરી વાહન હંકારતા વાહનચાલકો, લાયસન્સ વગરના ચાલકો સામે સ્થળ પર જ દંડ વસૂલવાની કામગીરી કરી હતી. આ ઉપરાંત, કારના કાચ પર કાળા કલરની ફિલ્મ લગાવીને ફરતા કારચાલકોની ફિલ્મ સ્થળ પર જ ઉતરાવી લેવામાં આવી હતી અને દંડ ફટકારવામાં આવ્યો હતો. અધૂરા દસ્તાવેજો અથવા ગંભીર નિયમભંગ જણાતા કેટલાક વાહનોને કાયદેસરની પ્રક્રિયા હેઠળ ડિટેઈન પણ કરવામાં આવ્યા હતા.

ટ્રાફિક પોલીસ વિભાગના અધિકારીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં સતત વધી રહેલા વાહનોના પ્રવાહ અને માર્ગ અકસ્માતોની સંખ્યા પર અંકુશ મેળવવા માટે આ પ્રકારની સઘન ઝુંબેશ અત્યંત જરૂૂરી છે. આ કામગીરીનો મુખ્ય હેતુ માત્ર દંડ વસૂલવાનો નથી, પરંતુ નાગરિકોમાં ટ્રાફિક શિસ્ત અને માર્ગ સલામતી પ્રત્યે જાગૃતિ કેળવવાનો છે.

પોલીસ તંત્ર દ્વારા રાજકોટના તમામ નાગરિકો અને વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના વાહનોના તમામ જરૂૂરી દસ્તાવેજો સાથે રાખે, વાહનો પર નિયમાનુસાર જ નંબર પ્લેટ લગાવે અને વાહન ચલાવતી વખતે ટ્રાફિકના તમામ નિયમોનું અક્ષરશ: પાલન કરે. આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિવિધ મુખ્ય ચોકો અને માર્ગો પર આ પ્રકારે અચાનક અને કડક વાહન ચેકિંગ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી પણ ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *