નાનામવામાં ફાયરિંગ કરી યુવાનની હત્યા અને સોમનાથ સોસાયટીમાં થયેલા ડબલ મર્ડર બાદ રાજકોટ પોલીસ એક્શનમાં
દારૂના નશામાં વાહન હંકારતા અને હથિયાર લઈ ફરતા શખ્સોએ રાત લોકઅપમાં વિતાવી
રાજકોટ શહેરમાં તાજેતરમાં નાનામવામાં ગેરકાયદે હથિયાર વડે થયેલી ફાયરિંગની ગોઝારી ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું હતું. આ ગંભીર ઘટનામાં એક નિર્દોષ યુવાનની હત્યા થવાથી સમગ્ર શહેરમાં ભારે રોષ અને ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ઊભા થયેલા આ સવાલો બાદ રાજકોટ શહેર પોલીસ તંત્ર સફાળું જાગી ગયું છે અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે. શહેરમાં ગુનાખોરીનો નાશ કરવા અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરવા માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના માર્ગદર્શન હેઠળ એક બાદ એક વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે, જેના હકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે.
નાનામવાની હત્યાની ગોઝારી ઘટના બાદ રાજકોટ પોલીસ કમિશનરના માર્ગદર્શનમાં પોલીસની મહત્વની બ્રાન્ચએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને શહેરમાં ગેરકાયદે હથિયારો સપ્લાય કરનાર તેમજ પોતાના નેફામાં અસામાજિક હથિયારો ટીંગાડીને રોફ મારતા 20થી વધુ કુખ્યાત શખ્સોને ઝડપી લીધા હતા. આ શખ્સો પાસેથી મોટી સંખ્યામાં હથિયારો અને જીવતા કાર્ટૂસ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસની આ સઘન કાર્યવાહી હજુ પણ અવિરતપણે ચાલુ છે જેથી ગુનેગારોની કમર ભાંગી શકાય. ગુનાખોરીની દુનિયામાં સક્રિય રહેલા આ તત્વોને પકડીને પોલીસે સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે રાજકોટમાં હવે ગેરકાયદે હથિયારોનો ખેલ નહીં ચાલે.
આ વિશેષ ડ્રાઇવને વધુ વેગ આપવા માટે ખુદ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા મેદાને ઉતર્યા હતા. શનિવારે રાત્રે જ પોલીસ કમિશનરે તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ અને અન્ય અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે શહેરમાં હથિયાર સાથે ફરતા શખ્સો અને નશાની હાલતમાં ફરતા તત્વો સામે કડક વલણ અપનાવવું. આ કડક સૂચનાના પગલે રાજકોટ શહેરના છેવાડાના પોલીસ સ્ટેશન વિસ્તારો અને સંવેદનશીલ વિસ્તારોમાં મોડી રાત સુધી પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા મેગા કોમ્બિન્ગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ડીસીપી રાકેશ દેસાઈ, ડીસીપી હેતલ પટેલ, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને ડીસીપી ટ્રાફિકની સીધી રાહબરી હેઠળ આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, જેનાથી ગુનેગારોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.
પોલીસની આ સક્રિય કામગીરીના ભાગરૂપે ગઈકાલે રવિવારે એક વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ દરમિયાન પોલીસ ટીમોએ શહેરમાં સઘન ચેકીંગ હાથ ધરીને કુલ 68 શખ્સોને જાહેરમાં ધારદાર છરીઓ અને અન્ય મારક હથિયારો સાથે ઝડપી લીધા હતા. પોલીસ તપાસમાં એ વાત સામે આવી છે કે આ તમામ શખ્સો ભવિષ્યમાં કોઈ મોટી ગુનાહિત ઘટના અથવા ગંભીર અપરાધને અંજામ આપવાની ફિરાકમાં હતા. જો કે, પોલીસની સમયસૂચકતા અને સતર્કતાને કારણે આ શખ્સો પોતાના નાપાક ઇરાદાઓમાં સફળ થાય તે પહેલાં જ તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. આટલી મોટી સંખ્યામાં હથિયારો સાથે શખ્સો પકડાવાથી પોલીસ તંત્ર પણ વધુ સતર્ક બન્યું છે.
માત્ર હથિયારો જ નહીં પરંતુ શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને દારૂના નશામાં રસ્તા પર આંટાફેરા કરતા તત્વો સામે પણ પોલીસે લાલ આંખ કરી છે. ગઈકાલે રાત્રે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ડ્રાઇવ દરમિયાન દારૂ પીને વાહન હંકારતા શખ્સો તેમજ પીધેલી હાલતમાં જાહેરમાં અડપલાં કરતા કુલ 46 શખ્સો પોલીસની ઝપટે ચડી ગયા હતા. નશાની હાલતમાં વાહન ચલાવીને અન્ય નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મૂકનારા આ તમામ શખ્સો સામે કાયદેસરની સખત કાર્યવાહી કરવામાં આવી હતી. આ તમામ 46 શખ્સોને રાત્રે પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાત વિતાવવાનો વારો આવ્યો હતો, જે દારૂડિયાઓ અને અસામાજિક તત્વો માટે એક કડક ચેતવણી સમાન છે.પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓની સીધી આગેવાનીમાં ચાલી રહેલી આ કામગીરીથી આગામી દિવસોમાં રાજકોટ શહેર વધુ સુરક્ષિત, શાંતિપૂર્ણ અને ભયમુક્ત બનશે તેમાં કોઈ શંકા નથી.
મુખ્ય માર્ગો પર વાહન ડિટેઈન કરી કારમાંથી કાળી ફિલ્મ ઉતારી
સામાન્ય રીતે રવિવારના દિવસે લોકો રજાના મૂડમાં હોય છે અને ખરીદી કે ફરવા માટે બહાર નીકળતા હોય છે, જેના કારણે મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાતી હોય છે. આ સમસ્યાને નિવારવા માટે રવિવારે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ, કોટેચા ચોક, કાલાવડ રોડ, રૈયા રોડ, યુનિવર્સિટી રોડ, માધાપર ચોકડી, નવા બનેલા સાંઢીયા પુલ તેમજ અન્ય તમામ મુખ્ય માર્ગો પર ખાસ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થા અવિરત જળવાઈ રહે અને અડચણરૂપ વાહનોને કારણે લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે રસ્તાની વચ્ચે અથવા નો-પાર્કિંગ ઝોનમાં બેફામ રીતે પાર્ક કરેલા વાહનોને ડિટેઇન કરવાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસની આ સરાહનીય કામગીરીથી શહેરીજનોમાં પણ નિયમપાલન અંગે જાગૃતિ આવી છે.આમ, રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ગુનેગારો અને કાયદો તોડનારાઓ સામે શરૂ કરવામાં આવેલી આ ઝુંબેશ અત્યંત અસરકારક સાબિત થઈ રહી છે.
