શહેરમાં રૈયાધાર મફતીયાપરામાં રહેતા શાકભાજીના ધંધાર્થીએ દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો કરી ‘મારે મરી જવું છે’ તેવું રટણ કરી પોતાની જાતે હાથમાં બ્લેડ વડે કાપા મારી દીધા હતાં. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રૈયાધાર મફતીયાપરામાં રહેતાં કિશન રાજુભાઈ જમનપરીયા નામનો 30 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે મધરાત્રે પોતાની જાતે હાથમાં બ્લેડ વડે કાપા મારી દીધા હતાં. યુવકને ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં કિશન જમનપરીયા બે ભાઈ ચાર બહેનમાં મોટો છે અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. કિશન જમનપરીયા શાકભાજી વેંચી પરિવારનું ગુજરાન ચલાવે છે.
કિશન જમનપરીયાએ દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો કરી ‘મારે મરી જવું છે’ તેમ કહી પોતાની જાતે હાથમાં બ્લેડ વડે કાપ મારી દીધા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત બીજા બનાવમાં પોપટપરા વિસ્તારમાં આવેલી મધ્યસ્થ જેલમાં સામત દેવાભાઈ ભાદરવાડા નામના 55 વર્ષના પાકા કામના કેદીને સવારના સમયે છાતીમાં દુ:ખાવો ઉપડયો હતો. જેથી જેલ તંત્ર દ્વારા તેને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
