પોલીસથી બચવા મહિલાના કપડા પહેરીને ગુજરાત-યુપી-બિહાર-મુંબઇમાં કુલ 23 સ્થળોએ ફર્યો
કડીમાં આશરો આપનાર શખ્સની ધરપકડ, અન્યોની પણ તોળાતી ધરપકડ
શહેરના મંગળા મેઇન રોડ ત્રણેક માસ પહેલા પેંડા ગેંગ સાથેની જૂની અદાવતમાં બન્ને ગેંગ વચ્ચે થયેલ અંધાધૂંધ ફાયરીંગ મામલે છેલ્લા ત્રણ માસથી ફરાર મુર્ગા ગેંગનાં લીડર સમીર ઉર્ફે સંજય જાવીદ જુણેજાને અંતે એસઓજીના સ્ટાફે મહિલાઓના કપડા પહેરી રાજકોટ આવ્યો ત્યારે ઝડપી લીધો હતો. પકડાયેલ સમીરે ફાયરીંગ કર્યા બાદ પોલીસ ધરપકડથી બચવા માટે કડીમાં તેને એકાદ માસથી આશરો મેળવ્યો હતો તેને આપનાર કડીના દિલો ઉર્ફે દિલાવર મહમદ ખલીફાની પણ એસઓજીએ ધરપકડ કરી છે. સમીરની ધરપકડ બાદ અત્યાર સુધીમાં આ ફાયરીંગ પ્રકરણમાં કુલ ધરપકડનો આંક 38 ઉપર પહોંચ્યો છે.
પકડાયેલ સમીરને મંગળા રોડ પર ફાયરીંગ કર્યાની જગ્યા ઉપર લઈ જઈ કુકડો બનાવી રિ-કટ્રકશન કરી વધુ પુછતાછ કરી હતી.મંગળા રોડ પર પેંડા ગેંગ અને મુરધા ગેંગ વચ્ચે અંધાધુંધ ફાયરીંગ ના બનાવમાં પોલીસે બન્ને પક્ષે 34 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. મુર્ગા ગેંગનાં મહત્વનાં તમામ સભ્યો તબક્કાવાર ઝડપાઈ ગયા હતા. મુખ્ય સુત્રધાર સમીર ઉર્ફે સંજલો જ પોલીસને મળતો ન હતો. તેની પાછળ એસઓજી અને ક્રાઈમ બ્રાંચની ઘણી ટીમો લાગી હતી. પરંતુ મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો હોવાથી તેનું કોઈ લોકેશન મળતુ ન હતું.
ત્રણેક માસથી ફરાર મુરધા ગેંગનો સુત્રધાર સમીર ઉર્ફે સંજય જાવીદ જુણેજાને એસઓજીની ટીમે માલીયાસણ ગામ પાસેથી મહિલા કપડા માથે બુરખો પહેરી નિકળતા એસઓજીની ટીમે તેને ઝડપી લીધો હતો. તેની પાસેથી સાત મોબાઈલ, રોકડ,છરી અને એક વાહનની નંબર પ્લેટ સહીતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. સમીર સાથે કડીનો દિલો ઉર્ફે દિલાવર પણ હોય સાથે પુછપરછ કરતા સમીરને છેલ્લા એક માસથી દિલો ઉર્ફે દિલાવરે આશરો આપ્યો હોવાની અને મોબાઈલના સીમકાર્ડની પણ વ્યવસ્થા કરી આપ્યાનું ખુલતા દિલાવરની પણ ધરપકડ કરવામાં આવી હતી.
એસઓજીની વધુ પુછતાછમાં જાણવા મળ્યું કે, ગુનો નોધાયા બાદ સમીર ફરાર થઈ અલગ અલગ રાજ્યોમાં રખડતો-ભટકતો રહ્યો હતો. જેમાં રાજકોટ, મોરબી, ધોરાજી, સાસણ, ગોંડલ, યુપીના આઝમગઢ, બિહાર, મુંબઈ વગેરે જગ્યાએ આશરો મેળવ્યો હતો. મુર્ગા ગેંગનો લીડર સમીર ઉર્ફે સંજય જાવીદ ત્રણેક વખત મહિલાઓનો વેશમાં રાજકોટ પણ આવ્યો હતો. તેમજ છેલ્લા એક માસ થી કડી-કલોલ તેને મિત્રના ઘેર છુપાયો હતો. સમીર ઉર્ફે સંજય હાલ ફાયરિંગ કેસ, ગુજસીટોક અને ક્રાઈમ બ્રાંચમાં જ આર્મ્સ એક્ટના ગુનામાં વોન્ટેડ હતો. તેના વિરૂૂધ્ધ અત્યાર સુધીમાં ખૂનની કોશિષ, મારામારી, રાયોટિંગ સંહિતના કુલ 9 ગુના નોંધાઈ ચૂક્યા છે. એસઓજીએ તેને રિમાન્ડ પર લેવા તજવીજ શરૂૂ કરી છે જે દરમિયાન અનેક નવા ખુલાસા થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, મંગળા રોડ પરના ફાયરીંગ બાદ મુર્ગા અને પેંડા ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો. એસઓજીની તપાસ પુરી થયા બાદ ગુજસીટોકના ગુનામાં સંજયનો ક્રાઈમ બ્રાંચ કબજો લેશે.
પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડિયા,ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા,એસીપી ક્રાઈમ ભરત બી.બસિયાની સુચના અને માર્ગદર્શન હેઠળ એસઓજીના પી.આઈ એસ.એમ.જાડેજા સાથે પીએસઆઈ ધાસુરા અને તેમની ટીમે કામગીરી કરી હતી.
