PM મોદી ત્રણ દિવસ ગુજરાતમાં, કાલે સોમનાથમાં શૌર્યયાત્રા-જાહેરસભા

રાત્રી રોકાણ સોમનાથમાં કર્યા બાદ કાલે રાજકોટમાં રીજિયોનલ વાયબ્રન્ટ સમિટનું કરશે ઉદ્ઘાટન, અમદાવાદમાં પણ કાર્યક્રમો વડાપ્રધાન નરેન્દ મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. સોમનાથ…

રાત્રી રોકાણ સોમનાથમાં કર્યા બાદ કાલે રાજકોટમાં રીજિયોનલ વાયબ્રન્ટ સમિટનું કરશે ઉદ્ઘાટન, અમદાવાદમાં પણ કાર્યક્રમો

વડાપ્રધાન નરેન્દ મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શીશ ઝુકાવી વડાપ્રધાન પોતાના ગુજરાત પ્રવાસનો પ્રારંભ કરશે. પી.એમ. આજનું રાત્રી રોકાણ સોમનાથમાં કર્યા બાદ આવતીકાલે સવારે નિર્ધારીત કાર્યક્રમોમાં હાજરી આપશે અને બપોરે 1-30 કલાકે રાજકોટમાં રિજીયોનલ વાઇબ્રન્ટ સમિટનું ઉદઘાટન કરશે અને ત્યારબાદ સાંજે અમદાવાદ પહોંચશે. અમદાવાદમાં રવિવારે સાંજે ગાંધી આશ્રમની મુલાકાત લેશે અને ગાંધીનગર ખાતે રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.

જયારે સોમવારે સવારે પી.એમ. મોદી સાબરમતી આશ્રમ, રિવર ફ્રન્ટની મુલાકાત લઇ મેટ્રોની મુસાફરી કરશે તેમજ મહાત્મા મંદિર ખાતેના કાર્યક્રમમાં જર્મન ચાન્સેલર સાથે મુલાકાત કરશે અને બપોરે 2-30 વાગ્યે દિલહી રવાના થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવનાર હોય જેમાં આજે તા.10 તથા 11 જાન્યુઆરી 2026 ના સોમનાથ ખાતે રોકાણ કરનાર છે. સોમનાથ સર્કીટ હાઉસમાં રાત્રી રોકાણ બાદ સવારે મહાદેવનાં દર્શન કરનાર છે. સોમનાથ ખાતેના બે દિવસીય પ્રવાસને પગલે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપેલ છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે 8 થી 11 જાન્યુઆરી 2026 દરમ્યાન ’સોમનાથ સ્વાભિમાન પર્વ’ ની ઉજવણી શરૂૂ કરાયેલ છે. જેમાં જુદા-જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ 108 અશ્વો વચ્ચે પી.એમ. મોદી ની સ્વાભિમાન યાત્રા પણ યોજાનાર છે. સોમનાથના ઈતિહાસમાં પહેલીવાર બે કિ.મી. લાંબા ભવ્ય રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે.

આજે સોમનાથ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની ઉપસ્થિતીમાં સોમનાથ મંદિર કોરિડોરની ડિઝાઈન ફાઈનલ થઈ શકે તેમ છે. સૂત્રો અનુસાર, દિલ્હી સ્થિત ત્રણ જુદી-જુદી એજન્સીઓ દ્વારા તૈયાર કરાયેલા કોરિડોર પ્રોજેક્ટના મોડલ અને પ્રેઝન્ટેશન વડાપ્રધાન સમક્ષ રજૂ કરાશે. ત્રણમાંથી એક અંતિમ પ્રોજેક્ટને વડાપ્રધાનની મંજૂરી મળ્યા બાદ સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટની વિધિવત કામગીરી શરૂૂ થશે.

તા.11 ના રવિવારે વ્હેલી સવારે સોમનાથ મહાદેવના દર્શન કરનાર છે. આ તકે જળાભિષેક, ધ્વજાપુજા અને સોમેશ્રવર મહાપુજા સહીતની વૈદિક પુજા-અર્ચના કરનાર છે. આ ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ સોમનાથ મંદિરના શંખ સર્કલથી સદભાવના ગ્રાઉન્ડ સુધી ભવ્ય ’સ્વાભિમાન યાત્રા’ યોજાશે. સોમનાથના ઈતિહાસમાં પહેલીવાર અંદાજે બે કિ.મી. લાંબી આ યાત્રામાં 108 અશ્વો સામેલ થશે. યાત્રામાં આગળ અને પાછળ અશ્વો તથા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હશે, જે ભારતના સાંસ્કૃતિક ગૌરવ અને શૌર્યનું પ્રતીક બનશે. યાત્રાનું સમાપન સદભાવના ગ્રાઉન્ડ ખાતે થશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશાળ જાહેરસભાને સંબોધન કરશે. આ સભામાં સ્વાભિમાન, સંસ્કૃતિ અને વિકાસના સંદેશ સાથે દેશને નવી દિશા આપતી મહત્ત્વપૂર્ણ ઘોષણાઓ થવાની શક્યતા છે. આ કાર્યક્રમ પૂર્ણ થયે સોમનાથ થી રાજકોટ જનાર છે.

પીએમના આ પ્રવાસનું વિશેષ મહત્ત્વ ઈતિહાસ સાથે જોડાયેલું છે. ઈતિહાસ મુજબ, ઈ.સ. 1026 માં મહમૂદ ગઝ્નવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું. વર્ષ 2026 માં આ ઐતિહાસિક ઘટનાને એક હજાર વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ નિમિત્તે સોમનાથ ખાતે એક અભૂતપૂર્વ કાર્યક્રમ યોજવાનું આયોજન છે, જેમાં રાજ્યભરમાંથી પોલીસ માઉન્ટેડ દળના 108 અશ્વોને એકત્ર કરવામાં આવશે. આ પ્રતીકાત્મક આયોજન દ્વારા સોમનાથના પુનરુદ્ધાર અને અસ્મિતાની ગાથા રજૂ કરવામાં આવી શકે છે.

તા.10 અને 11 જાન્યુઆરીના વડાપ્રધાનના કાર્યક્રમોને લઈને સોમનાથમાં તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાયેલ છે. રાજ્યના મંત્રીઓ, મુખ્ય સચિવો અને વરિષ્ઠ અધિકારીઓએ કાર્યક્રમ સ્થળની રૂૂબરૂૂ મુલાકાત સાથે વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સચિવો પણ આવી પહોંચેલ છે. વડાપ્રધાનના પ્રવાસને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસવડાના સીધા માર્ગદર્શન હેઠળ આશરે 3500 પોલીસ જવાનો સાથે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.

સોમનાથ ખાતે દીવાલોને અલગ-અલગ ચિત્રોથી શણગારવામાં આવી રહી છે. સોમનાથ સ્વાભિમાન પર્વ માત્ર એક ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમ નથી, પરંતુ એ ભારતના અડગ આત્મવિશ્વાસ, અખંડ આસ્થા અને હજારો વર્ષ જૂના સ્વાભિમાનનું પુનર્જાગરણ છે. એક હજાર વર્ષ પછી પણ અડીખમ ઊભેલા સોમનાથ મહાદેવ આજે ફરી દેશને એ જ સંદેશ આપી રહ્યા છે વિનાશ પછી પણ નવસર્જન, પરાજય પછી પણ વિજય અને અંધકાર પછી પણ પ્રકાશ.

 

વડાપ્રધાનનો ત્રણ દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ

10 જાન્યુઆરી
4-25 રાજકોટ એરપોર્ટ
5-35 સોમનાથ હેલિપેડ
5-45 સોમનાથ સર્કિટ હાઉસ (રાત્રિવાસ)
11 જાન્યુઆરી
9-45 સોમનાથમાં દર્શન અને પૂજા
10-25 શોભા યાત્રા (રોડ શો)
11-00 સભાને સંબોધન
12-10 સોમનાથ હેલિપેડથી રાજકોટ રવાના
1-30 રાજકોટ મારવાડી યુનિ.માં કાર્યક્રમ
3-55 રાજકોટ હેલિપેડથી અમદાવાદ રવાના
5-00 સાબરમતી આશ્રમની મુલાકાત
6-30 ગાંધીનગર રાજભવન (રાત્રિવાસ)
12 જાન્યુઆરી
8-25 અમદાવાદ સાબરમતી આશ્રમ
9-00 સાબરમતી રિવરફ્રન્ટ
9-40 જૂની હાઇકોર્ટ મેટ્રો સ્ટેશનથી મહાત્મા મંદિર સુધી મુસાફરી.
10-55 મહાત્મા મંદિર કાર્યક્રમ
11-00 ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીના ચાન્સેલર સાથે મુલાકાત
2-30 અમદાવાદ એરપોર્ટથી દિલ્હી રવાન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *