બ્રેકફેઇલ થતાં પીકઅપ વાને ત્રણ વાહનને ઉલાળ્યા, બાઇક ચાલકનું મોત

પારેવડી ચોક ખાતે રવિવારે બપોરના આશરે સવા બે વાગ્યાના સુમારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભગવતીપરા ઓવરબ્રીજ તરફથી પૂરઝડપે અને બેફિકરાઈથી આવી રહેલા એક…

પારેવડી ચોક ખાતે રવિવારે બપોરના આશરે સવા બે વાગ્યાના સુમારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભગવતીપરા ઓવરબ્રીજ તરફથી પૂરઝડપે અને બેફિકરાઈથી આવી રહેલા એક ડાલા(પિકઅપ વેન)ના ચાલકે માર્ગ પર જઈ રહેલા એક મોટરસાયકલ અને બે ઓટો રિક્ષાઓને જોરદાર હડફેટે લીધી હતી.આ અકસ્માતમાં મોટરસાયકલ સવાર આધેડનું ઘટનાસ્થળે જ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાથી કરૂૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે રિક્ષાચાલકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી વિગતો મુજબ,રાજકોટના પારેવડી ચોક નજીક ચાલકે પૂરઝડપે બોલેરો ચલાવી એક બાઈક અને બે રિક્ષાને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જેમાં બાઈક સવાર અરુણભાઈ ભગવાનજીભાઈ શાહ (ઉ.વ.62, રહે. મોરબી, ઉમિયા ચોક પાસે, ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં)નું કચડાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે બે રિક્ષા ચાલકને ઈજા પહોંચી હતી.

મૃતક અરુણભાઈ મોરબીમાં આરઓ ફિલ્ટરનું રિપેરીંગ અને ઈલેક્ટ્રીક કામ કરતા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પુત્રી રીધ્ધીબેનની માસ્ટર ઓફ આર્ટ્સની પરીક્ષા ભગવતીપરાની એક શાળામાં હોવાથી તેઓ બાઈક પર પુત્રીને પરીક્ષા કેન્દ્રએ મૂકીને રાજકોટમાં જ રહેતા પોતાના બનેવી જયેશભાઈ પારેખના ઘરે ગયા હતા. બપોરે બે વાગ્યે પુત્રીનું બીજું પેપર હોવાથી તેને જમાડીને ત્યાંથી કામ અર્થે બાઈક લઈને નીકળ્યા હતા.

પારેવડી ચોક નજીક પહોંચતા સાઉન્ડ સીસ્ટમ ભરેલી બોલેરો પીકઅપના ચાલકે પૂરઝડપે પાછળથી આવી તેમના બાઈકને હડફેટે લઈ કચડી નાખતા આ અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બોલેરો ચાલકે બે રિક્ષા અને બીજા એક બાઈકને પણ ઠોકરે ચડાવ્યા હતા.ઘટના બનતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત બંને રિક્ષાચાલક ઈરફાન અલીભાઈ તમીમી (ઉ.વ. 38) અને પરેશભાઈ કેશવલાલભાઈ કુંડલ (ઉ.વ.40)(રહે.મેટોડા)ને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

બનાવ અંગે મૃતકના ભત્રીજા પારસભાઈ સુરેશભાઈ શાહ (રહે. મોરબી) ની ફરિયાદના આધારે રાજકોટ શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડાલાના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે ઘટનાસ્થળે પહોંચી બોલેરો ચાલકની અટકાયત કરી હતી. પોલીસે તપાસ કરતાં એવુ જાણવા મળ્યું હતું કે ગણપતિ વિસર્જનમાં ડીજે વગાડવા માટે આઇશરનો ચાલક રેલનગરથી નીકળ્યો હતો. ભગવતીપરા પૂલ પાસે પહોંચતા જ બ્રેક ફેઇલ થઇ હતી અને પારેવડી ચોકમાં તેની ઠોકરે બાઇક અને બે રિક્ષા ચડી ગયા હતાં. જેમાં મોરબીના બાઇકચાલક વૃધ્ધનું મૃત્યુ થયું હતું. પોલીસે આઇશર ચાલક નયનભાઇ બાલાભાઇ પરમાર (રહે. હંસરાજનગર)ને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *