ફ્લિપકાર્ટના વેરહાઉસમાં ભીષણ આગ: લાખોનું નુકસાન

  રાજકોટ નજીક શાપર-વેરાવળ પાસે આવેલા કાંગશીયાળી ગામની સીમમાં ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર સ્થિત જાણીતી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટના વિશાળ વેરહાઉસમાં સવારના સમયે અચાનક ભીષણ આગ ફાટી…

 

રાજકોટ નજીક શાપર-વેરાવળ પાસે આવેલા કાંગશીયાળી ગામની સીમમાં ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર સ્થિત જાણીતી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટના વિશાળ વેરહાઉસમાં સવારના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી.

પ્રાથમિક તપાસ અનુસાર, વેરહાઉસના સર્વર રૂૂમની બાજુમાંથી પસાર થતી ઇલેક્ટ્રિક લાઇનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ ઘટના બની હતી. જોતજોતામાં આગે અત્યંત વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી લેતા સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વેરહાઉસની અંદર મોટા પ્રમાણમાં પેકિંગ મટિરિયલ, પ્લાસ્ટિક, કાગળના બોક્સ અને ગ્રાહકોના ઓર્ડરનો સામાન સંગ્રહિત હોવાથી આગ અત્યંત ઝડપથી સમગ્ર પરિસરમાં પ્રસરવા લાગી હતી.

આગના કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં દૂર-દૂર સુધી દેખાવા લાગ્યા હતા.ઘટના અંગે તાત્કાલિક જાણ કરવામાં આવતા જ શાપર ફાયરબ્રિગેડની ટીમો વાહનવ્યવહાર અને જરૂૂરી સાધન-સામગ્રી સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ ચારેય તરફથી સતત પાણીનો ભારે મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવવાનો આકરો પ્રયાસ કર્યો હતો. કલાકોની ભારે જહેમત બાદ આખરે ફાયર ટીમ દ્વારા આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી શકાયો હતો. બનાવની જાણ થતાં જ શાપર પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને વેરહાઉસની આસપાસ સુરક્ષા કોર્ડન કરી લોકોને દૂર રાખ્યા હતા. આ ઘડીમાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ કર્મચારીને ઈજા પહોંચી નથી, સત્તાધીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ ભીષણ ઘટનામાં વેરહાઉસની અંદર રાખવામાં આવેલો મોટાભાગનો ગ્રાહકોનો કિંમતી સામાન અને પેકિંગ સામગ્રી બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે. આગ સંપૂર્ણ રીતે ઓલવાયા બાદ હવે ફ્લિપકાર્ટ કંપનીના ઉચ્ચ સત્તાધીશો દ્વારા વેરહાઉસની અંદર થયેલા કુલ આર્થિક નુકસાન અને બળી ગયેલા માલસામાનનો ચોક્કસ તાગ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *