PGVCLના MDના નામે ઉલ્લુ બનાવી 45 લાખની છેતરપિંડી

  શહેરમાં સાયબર ગુનેગારોનો આતંક સતત વધી રહ્યો છે. હવે આ ઠગબાજોએ સામાન્ય નાગરિકોને છોડીને ઉચ્ચ સરકારી અધિકારીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. રાજકોટની પીજીવીસીએલની…

 

શહેરમાં સાયબર ગુનેગારોનો આતંક સતત વધી રહ્યો છે. હવે આ ઠગબાજોએ સામાન્ય નાગરિકોને છોડીને ઉચ્ચ સરકારી અધિકારીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. રાજકોટની પીજીવીસીએલની લક્ષ્મીનગર મેઈન બ્રાન્ચમાં એક મોટી સાયબર છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં જનરલ મેનેજર (ફાઈનાન્સ) કિતુ કુમાર શશીકાંતભાઈ મલકાણને પોતાની જાળમાં ફસાવીને ગઠિયાઓએ રૂ. 45,60,904 ની છેતરપિંડી આચરી છે.

બનાવની વિગતો મુજબ, ગત 4 મે 2026 ના રોજ બપોરે 1:00 વાગ્યાની આસપાસ ફરિયાદી કિતુ કુમાર મલકાણ પોતાની ઓફિસમાં હાજર હતા. તે સમયે તેમના વોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં પીજીવીસીએલના એમ.ડી. કેતન જોષીનો પ્રોફાઈલ ફોટો રાખવામાં આવ્યો હતો, જેથી પ્રથમ દ્રષ્ટિએ કોઈને પણ શંકા ન જાય. ઠગે પોતાની ઓળખ એમ.ડી. તરીકે આપી મેસેજ કર્યો હતો કે, “આ મારો અંગત નંબર છે, કોઈની સાથે શેર કરતા નહીં, ત્યારબાદ આરોપીએ પોતે મીટિંગમાં હોવાનું બહાનું બતાવીને ફોન ઉપાડ્યો નહોતો અને મેસેજ દ્વારા ’મનીષા મંડલ’ નામના બેંક એકાઉન્ટની વિગતો મોકલી હતી. તેણે ઉચ્ચ અધિકારીના નાતે તાત્કાલિક રૂ.45.60 લાખ રૂપિયા આરટીજીએસ કરવા આદેશ આપ્યો હતો. કે.એસ.મલકાણે પોતાના ઉપરી અધિકારીનો આદેશ સમજીને પીજીવીસીએલના એસ.બી.આઈ. ખાતાનો ચેક લખી કર્મચારી મારફતે ઈન્ડસઈન્ડ બેંકના આપેલા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરાવી દીધા હતા.

આ રકમ મળી ગયા બાદ ગઠિયાની લાલચ આટલેથી અટકી નહોતી. પ્રથમ ટ્રાન્ઝેક્શન સફળ થયા બાદ બપોરે 3:48 વાગ્યે ફરીથી તે જ નંબર પરથી બીજા રૂ. 30.60 લાખ રૂપિયા ’નીતિન’ નામના ખાતામાં ટ્રાન્સફર કરવાનો મેસેજ આવ્યો હતો. જોકે, એક જ દિવસમાં બીજી વાર પેમેન્ટની માંગણી થતા જનરલ મેનેજર (ફાઈનાન્સ) કે.એસ. મલકાણને શંકા ગઈ હતી. અને તેમણે રૂબરૂ જઈને એમ.ડી. કેતન જોષી સાથે વાત કરી હતી. વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે એમ.ડી. દ્વારા આવો કોઈ મેસેજ મોકલવામાં આવ્યો જ નથી. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા જ તેમણે તાત્કાલિક સાયબર હેલ્પલાઇન 1930 પર જાણ કરી હતી, જેના કારણે બીજું રૂ. 30 લાખનું ટ્રાન્ઝેક્શન અટકી ગયું હતું.

આ મામલે જનરલ મેનેજર (ફાઈનાન્સ) કિતુ કુમાર શશીકાંતભાઈ મલકાણ દ્વારા શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આ અંગે વિધિવત ફરિયાદ નોંધાવી હતી. પી.આઈ એસ.ડી. ગિલવાએ આ મામલે ગુનો નોંધીને બેંક ધારક ’મનીષા મંડલ’ અને વોટ્સએપ નંબર ધારક વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *