ફ્રાન્સની રાજધાની પેરિસ અને અન્ય કેટલાક ફ્રેન્ચ શહેરોમાં થયેલા હિંસક વિરોધ પ્રદર્શનોના સંદર્ભમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું કે પેરિસ ટૂંક સમયમાં મુસ્લિમ શહેર બની જશે. તેમણે ફ્રાન્સમાં ચાલી રહેલી હિંસા માટે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોની ઇમિગ્રેશન નીતિને જવાબદાર ઠેરવી.
તેમણે આરોપ લગાવ્યો કે ફ્રાન્સ સરકારે અન્ય દેશોમાંથી આવતા લોકોને રોકવા માટે પૂરતા પગલાં લીધા નથી. ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે લગભગ 8 વર્ષ પહેલાં મેક્રોને ચેતવણી આપી હતી કે અન્ય દેશોમાંથી આવતા લોકોને આટલી મોટી સંખ્યામાં ફ્રાન્સમાં આવવા દેવા મોટી ભૂલ છે.
ટ્રમ્પે પોતાના સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ટ્રૂથ-સોશ્યલ ઉપર લખ્યું કે ફ્રાંસ સળગી રહ્યું છે. તદ્દન જુદી દુનિયાથી આવેલા લોકો જેઓનાં હૃદયમાં નફરત ભરેલી છે, તેઓ એક સમયે મહાન ગણાતા દેશને તબાહ કરી રહ્યાં છે. ફ્રાંસે પોતાની સરહદો બંધ કરવી જ જોઈએ અને બહુ મોડું થાય તે પહેલા પરિસ્થિતિ ઉપર કાબુ મેળવી લેવો જોઈએ.
ફ્રાંસના ગૃહ પ્રધાન લૌરેન્ટ નુનેજે રવિવારે એક્સ પર જણાવ્યું હતું કે લગભગ 1800 લોકોની ધરપકડ થઇ છે. હવે તેઓની ઓળખ માટે કાર્યવાહી ચાલે છે, જેથી તેઓને ન્યાયના કઠેડામાં લાવી શકાય. પેરિસમાં પોલીસે જણાવ્યું કે, રેકોર્ડ 855 લોકોને ગિરફતાર કરાયા છે. સડકો ઉપર સાઇકલો, ડસ્ટબિન્સ તથા અન્ય ચીજોથી બનાવાયેલા બેરિકેડસ જોવા મળે છે. પેરિસ અને અન્ય શહેરોમાં બુરખા પહેરેલા યુવાનોએ કેટલીએ દુકાનો લૂંટી છે, પોલીસો, ફાયર બ્રિગેડના માણસો તથા પેરા મેડિકલ સહિત 500થી વધુ ઘાયલ થયા છે.
