ગાંધીનગરના વિશ્વપ્રસિદ્ધ રૂપાલ ગામમાં જગતજનની શ્રી વરદાયિની માતાજીના પલ્લી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની પરંપરા મુજબ યોજાયેલા આ મહોત્સવમાં દેશ-વિદેશમાંથી અંદાજે 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન અને આશીર્વાદ મેળવવા ઉમટી પડ્યા હતા. સમગ્ર રૂપાલ ગામ ‘જય મા વરદાયિની’ના નાદથી ગુંજી ઊઠ્યું હતું.
મધ્યરાત્રિએ 12 વાગ્યા બાદ પાંચ દિવ્ય જ્યોત ધરાવતી પલ્લી રથયાત્રા પરંપરાગત રીતે નીકળી હતી. ગામના 27 જેટલા નિશ્ચિત ચોકમાં ભ્રમણ કરતી પલ્લી પર ભક્તોએ શ્રદ્ધાપૂર્વક શુદ્ધ ઘીનો અભિષેક કર્યો હતો. આ દરમિયાન લાખો લિટર ઘીનો ઉપયોગ થયો હોવાનો અંદાજ છે. કરોડો રૂપિયાના ઘીના અભિષેકથી ગામની શેરીઓ અને માર્ગો પર ઘીની નદીઓ વહેતી હોય તેવાં અદભુત દૃશ્યો સર્જાયાં હતાં.
પલ્લી મહોત્સવ પહેલાં મંદિરના વિશાળ પટાંગણમાં ભવ્ય ગુલાલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં મહિલાઓ, પુરુષો, યુવાનો અને વડીલોએ એકબીજા પર ગુલાલ ઉડાડીને માતાજીના વધામણાં કર્યા હતા. સાથે જ ભક્તોએ ગરબાની રમઝટ બોલાવી હતી. ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહના ત્રિવેણી સંગમ સમા આ મહોત્સવમાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
રૂપાલની પલ્લી સાથે આશરે પાંચ હજાર વર્ષ જૂનો પૌરાણિક ઇતિહાસ જોડાયેલો હોવાનું માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન પોતાના દિવ્ય શસ્ત્રો રૂપાલ ગામમાં આવેલા પવિત્ર વરખડીના વૃક્ષ નીચે છુપાવ્યાં હતાં. અજ્ઞાતવાસ પૂર્ણ થયા બાદ માતા વરદાયિનીની પૂજા કરીને આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ મહાભારતના યુદ્ધમાં વિજય પ્રાપ્ત થયા પછી ભગવાન શ્રીકૃષ્ણની ઉપસ્થિતિમાં સોનાની પલ્લી બનાવી તેના પર ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારથી આ પરંપરા અવિરત ચાલી આવતી હોવાની માન્યતા છે. ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામે પણ રાવણ સામેના યુદ્ધ પહેલાં માતાજીના આશીર્વાદ લીધા હોવાની લોકમાન્યતા છે.
આમ, રૂપાલનો પલ્લી મહોત્સવ માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં, પરંતુ વર્ષો જૂની પરંપરા, અતૂટ શ્રદ્ધા અને લોકઆસ્થાનું અનોખું પ્રતીક બની રહ્યો છે. વહેલી સવારે પલ્લી રથ નીજ મંદિરે પરત ફરતાં માતાજીનાં દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.
