ગોંડલ તાલુકાના ગુંદાળા ગામમાં 30 જૂનના રોજ બનેલા 23 વર્ષીય યુવાનના રહસ્યમય મોતના કેસમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. શરૂૂઆતમાં જેને આપઘાત તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તે હકીકતમાં સગા માતા-પિતાએ જ પોતાના પુત્રની હત્યા કર્યાનું પોસ્ટ મોર્ટમમાં જાણવા મળ્યું છે. દારૂ પીને ઝઘડો કરતા પુત્રને માતા પિતાએ પતાવી દઈ બનાવને આપઘાતમાં ખપાવી દીધો હતો જો કે પોસ્ટ મોર્ટમમાં ભાંડો ફુટયો હતો. આ મામલે મૃતકની પત્નીએ તેના સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ તપાસ મુજબ, મૃતક રામ બાબુભાઈ બાંભવાને દારૂૂ પીવાની ટેવ હતી, જેના કારણે પિતા બાબુભાઈ ઉર્ફે અતુલભાઈ ઘુઘાભાઈ બાંભવા અને માતા મનીષાબેન ઉર્ફે મોતીબેન સાથે વારંવાર વિવાદ થતો હતો. 30 જૂનના રોજ પણ આ જ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઝઘડો વધતાં માતાએ પુત્રને બળજબરીથી એસિડ પીવડાવ્યું હતું, જ્યારે પિતાએ માર માર્યા બાદ ગળેટૂંપો આપી તેની હત્યા કરી હતી.
ઘટનાને આપઘાતનો રંગ આપવા માટે આરોપી બાબુએ ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ઝડપથી પેનલ પોસ્ટમોર્ટમ થઈ જાય તે માટે કેટલાક રાજકીય આગેવાનો અને સ્થાનિક નેતાઓ મારફતે ભલામણો પણ કરાવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જોકે, પોલીસની સઘન તપાસમાં સમગ્ર કાવતરાનો ભાંડો ફૂટતા આરોપીઓ કાયદાની પકડમાંથી બચી શક્યા નહોતા. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં બનાવ હત્યાનો હોવાનું સ્પષ્ટ થયું હતું.આ સમગ્ર મામલે મૃતકની ચાર મહિના પહેલાં જ પરણેલી પત્ની બંશીબેન બાંભવાએ પોતાના સાસુ-સસરા વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી બાબુ ઉર્ફે અતુલ ધુધા બાંભવા અને મનીષાબેન બાબુ બાંભવાની ધરપકડ કરી હતી. આ હાઈપ્રોફાઈલ કેસની તપાસ પીઆઈ યુ.આર. ડામોર કરી રહ્યા છે. મૃતક રામ બાંભવા બે ભાઈ અને બે બેનમાં મોટો હતો. તેના પિતા ચાની હોટલ ચલાવે છે.
