નીટની પરીક્ષા રદ થતા વાલીઓ-છાત્રોમાં આક્રોશ

અમારી આખા વર્ષની મહેનત ઉપર પાણી ફરી વળ્યું, છાસવારે પેપરો ફૂટે છે છતાં કોઇ અસરકારક પગલા ભરાયા નથી, વલોપાત ઠાલવતા વિદ્યાર્થીઓ રડી પડ્યા પેપર લીક…

અમારી આખા વર્ષની મહેનત ઉપર પાણી ફરી વળ્યું, છાસવારે પેપરો ફૂટે છે છતાં કોઇ અસરકારક પગલા ભરાયા નથી, વલોપાત ઠાલવતા વિદ્યાર્થીઓ રડી પડ્યા

પેપર લીક માટે આખી સરકારી સિસ્ટમ જવાબદાર, વિદ્યાર્થીઓ ડિપ્રેશનનો શિકાર બને કે, અવળુ પગલું ભરી લ્યે તો જવાબદારી કોની?: વાલીઓનો આક્રોશ

દેશમાં વધુ એક વખત નીટનું પેપર લીક થતા ગત તા.3મેના રોજ લેવાયેલ પરીક્ષા રદ કરવામાં આવી છે જેના કારણે દેશના 22 લાખ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. છેલ્લે 2 વર્ષ પહેલા વર્ષ 2024માં નીટની પરીક્ષાનું પેપર ફુટયા બાદ સુપ્રીમ કોર્ટે પરીક્ષા રદ કરી હતી ત્યારબાદ આ વર્ષનું પેપર પણ ફુટી જતા સરકારી વ્યવસ્થા સામે સવાલો ઉઠી રહ્યા છે.

ગુજરાતમાંથી આશરે 80 હજાર જેટલા વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી જેમાં ભારે દેકારો મચી ગયો છે અને સરકારી વ્યવસ્થા સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી છે. પરીક્ષા રદ થતા ફરી એક વખત પરીક્ષા લેતી એજન્સી એન.ટી.એ. અને સરકારની આબરૂના ભડાકા થયા છે.

વિદ્યાર્થીઓએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, અમે આખુ વર્ષ મહેનત કરી તેની ઉપર પાણી ફરી વળ્યું છે. છાસવારે પેપરો ફુટી રહયા છે પરંતુ સરકાર આજ સુધી અસરકારક પગલા ભરી શકી નથી જેના કારણે નિર્દોષ વિદ્યાર્થીઓ ભોગ બની રહ્યા છે. વિકાસના અને ટેકનોલોજીના બણગા ફુંકતી સરકાર એક પરીક્ષા પણ ચોકસાઇ પુર્વક લઇ શકતી નથી. આવુ જણાવી કેટલાક વિદ્યાર્થીઓ તો રડી પડયા હતા.

વાલીઓએ રોષભેર જણાવ્યું હતું કે નીટનું પેપર લીક થતા વિદ્યાર્થીઓએ કરેલી મહેનત નિષ્ફળ ગઇ છે. આ માટે માત્ર અને માત્ર સરકારી સિસ્ટમ જ જવાબદાર છે. પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓ ભારે ચિંતામાં મુકાયા છે. ડિપ્રેશનનો પણ ભોગ બની શકે છે. વિદ્યાર્થીઓના ભાવી સાથે થઇ રહેલા ચેડા માટે પણ સમગ્ર સિસ્ટમ જવાબદાર છે. અમારા સંતાનો ટેન્શનમાં આડુ- અવળુ પગલુ ભરી લ્યે તો જવાબદાર કોણ? તેવા સવાલો વાલીઓએ ઉઠાવ્યા હતા.

એજન્સીએ મંગળવારે નિવેદન જારી કરી રહ્યું કે 3 મે 2026ના આયોજીત નીટ યુજી પરીક્ષા હવે બીજીવાર આયોજીત કરવામાં આવશે. નવી પરીક્ષાની તારીખો જલ્દી જાહેર કરવામાં આવશે. એજન્સી પ્રમાણે 8 મેએ પરીક્ષા સાથે જોડાયેલા મામલાની સ્વતંત્ર તપાસ અને જરૂૂરી કાર્યવાહી માટે કેન્દ્રીય એજન્સીઓને મોકલવામાં આવી હતી. ત્યારબાદ કેન્દ્રીય તપાસ એજન્સી અને કાયદાકીય એજન્સી પાસેથી મળેલા ઇનપુટ અને તપાસ રિપોર્ટની સમીક્ષા કરવામાં આવી છે.

એજન્સીએ કહ્યું કે પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા બનાવી રાખવા અને નિષ્પક્ષ તથા વિશ્વસનીય પરીક્ષા નક્કી કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. એનટીએ અનુસાર હવે નીટ યુજી પરીક્ષાનું આયોજન ફરી કરવામાં આવશે. નવી પરીક્ષાની તારીખ, એડમિટ કાર્ડ જારી કરવાનો કાર્યક્રમ અને અન્ય જરૂૂરી જાણકારી જલ્દી સત્તાવાર વેબસાઇટ અને અન્ય માધ્યમોમાં જાહેર કરવામાં આવશે. એનટીએએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને સામાન્ય લોકોને અપીલ કરી છે કે માત્ર સત્તાવાર સૂચનાઓ પર વિશ્વાસ કરે.

રાજસ્થાન SOG ની તપાસમાં સામે આવ્યું કે ગેસ પેપરમાં આશરે 410 પ્રશ્ન હતા. તેમાંથી આશરે 150 સવાલ જે કુલ 600 માર્ક્સના હૂબહૂ નીટ યુજી 2026 કેસ પેપરમાં પૂછાયા હતા. નીટ યુજી પરીક્ષા કુલ 720 માર્ક્સની હોય છે અને દરેક સવાલ 4 માર્ક્સનો હોય છે. તેવામાં આટલા મોટા સ્તર પર સવાલો હૂબહૂ મળવા ગંભીર માનવામાં આવી રહ્યું છે.

આ સમયે અમદાવાદ મેડિકલ એસોસિએશન વિદ્યાર્થીઓ અને વાલીઓને શાંતિ જાળવવા, અફવાઓથી દૂર રહેવા અને માત્ર NTA તથા સરકારી સત્તાવાર સૂચનાઓ પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરે છે. થોડા બેદરકાર લોકોના કારણે મહેનતુ અને પ્રામાણિક વિદ્યાર્થીઓએ નિરાશ થવાની જરૂૂર નથી.

નીટ પરીક્ષા રદ – લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખેલ થયો : કોંગ્રેસ
પરીક્ષા પર ચર્ચા કરનાર સરકાર હવે વિદ્યાર્થીઓના તણાવ અને ભવિષ્યના પ્રશ્ને મૌન કેમ ?: રોહિતસિંહ રાજપૂત

ગુજરાત મિરર રાજકોટ,તા.12
દેશભરના લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ ગણાતી NEET-2026 પરીક્ષા રદ થવાના મામલે વિદ્યાર્થી નેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઝોનલ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, દેશના વિદ્યાર્થીઓ વર્ષો સુધી દિવસ-રાત મહેનત કરીને પોતાના ભવિષ્યના સપનાઓ તૈયાર કરે છે, પરંતુ કેન્દ્ર સરકારની બેદરકારી અને પરીક્ષા વ્યવસ્થાની ખામીઓના કારણે વારંવાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખેલ થઈ રહ્યો છે.પરીક્ષા પર ચર્ચા કરનાર વડાપ્રધાન વિદ્યાર્થીઓના માનસિક તણાવ, ડિપ્રેશન અને ભવિષ્ય સાથે થઈ રહેલા ખેલ પર મૌન કેમ છે ? તેવા વેધક સવાલો રાજપૂતે કર્યા હતા.
રોહિતસિંહ રાજપૂતે વધુમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, નીટ પરીક્ષામાં પેપર લીક થયાની આશંકાઓ હવે વધુ મજબૂત બની રહી છે. પરીક્ષાના એક મહિના પહેલા સોશિયલ મીડિયામાં એક સેમ્પલ પેપર ખૂબ વાયરલ થયું હતું અને હવે અહેવાલો અનુસાર તે સેમ્પલ પેપરના અંદાજે 400 સવાલોમાંથી આશરે 140 સવાલો મૂળ નીટ પરીક્ષામાં પૂછાયા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલાનો ભાંડો રાજસ્થાનમાંથી ફૂટ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે અને આ કેસમાં અત્યાર સુધી 13 લોકો ઝડપાયા હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. આ સમગ્ર ઘટનાએ દેશભરના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ અને શંકા ઊભી કરી છે.

રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ગઊઊઝ જેવી દેશની સૌથી મહત્વપૂર્ણ પરીક્ષામાં ગોટાળા, પ્રશ્નપત્ર લીક, ટેકનિકલ ખામીઓ અને હવે પરીક્ષા રદ જેવી પરિસ્થિતિઓ એ સાબિત કરે છે કે કેન્દ્ર સરકાર અને ગઝઅ સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે. વિદ્યાર્થીઓમાં ભારે માનસિક તણાવ, અસુરક્ષા અને નિરાશાનું વાતાવરણ ઉભું થયું છે. ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના વિદ્યાર્થીઓએ કોચિંગ, હોસ્ટેલ, મુસાફરી અને અભ્યાસ પાછળ લાખો રૂૂપિયાનો ખર્ચ કર્યો છે, ત્યારે હવે તેમના સમય અને મહેનતનું નુકસાન કોણ ભરી આપશે તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકાર માત્ર જાહેરાતો અને ઙછ માં વ્યસ્ત છે, જ્યારે વિદ્યાર્થીઓ માટે પારદર્શક અને સુરક્ષિત પરીક્ષા પ્રણાલી ઉભી કરવામાં નિષ્ફળ ગઈ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ ભરતી પરીક્ષાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગોટાળાઓ સામે આવ્યા હોવા છતાં કેન્દ્ર સરકાર દ્વારા કોઈ મજબૂત અને કડક કાર્યવાહી થતી જોવા મળી નથી.

રોહિતસિંહ રાજપૂતે વધુમાં માંગ કરી હતી કે કેન્દ્ર સરકાર હવે માત્ર નિવેદનો નહીં પરંતુ તાત્કાલિક અસરથી પારદર્શક અને વિશ્વસનીય પરીક્ષા પ્રણાલી અમલમાં મૂકે. તમામ રાષ્ટ્રીય પરીક્ષાઓમાં અદ્યતન સુરક્ષિત ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમ, પ્રશ્નપત્ર સુરક્ષા માટે આધુનિક ટેક્નોલોજી અને પરીક્ષા પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા લાવવામાં આવે. પેપર લીક અને ગોટાળામાં સંડોવાયેલા તત્વો સામે ફાસ્ટ ટ્રેક કોર્ટ હેઠળ ઝડપી કાર્યવાહી કરીને કડક સજા કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ પણ ગોટાળાખોર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખેલ કરવાની હિંમત ન કરે. દેશના યુવાનોને સુરક્ષિત, નિષ્પક્ષ અને વિશ્વાસપાત્ર પરીક્ષા વ્યવસ્થા આપવી એ સરકારની સૌથી મોટી જવાબદારી છે અને તેમાં કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરી શકાય નહીં. અંતમાં તેમણે જણાવ્યું હતું કે, દેશના યુવાનોનું ભવિષ્ય કોઈ રાજકીય પ્રયોગનો વિષય બની શકે નહીં. વિદ્યાર્થીઓને માત્ર આશ્વાસન નહીં પરંતુ ન્યાય અને વિશ્વાસ જોઈએ.

2024માં જે થયું તે 2026માં પણ રિપીટ થશે તેવી કલ્પના નહોતી
નીટની તૈયારી કરતા વિદ્યાર્થી અનિતાબેનએ વાત કરતા પોતાની વ્યથા ઠાલવી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓએ છેલ્લા બે વર્ષથી સખત તૈયારી કરી હતી. “મેં છેલ્લા બે વર્ષ દરમિયાન રોજના 7 થી 8 કલાકનું સેલ્ફ સ્ટડી કરીને મહેનત કરી હતી. પરીક્ષા રદ થવાના સમાચાર સાંભળીને ખૂબ જ દુ:ખ થયું છે. 2024માં પણ પેપર લીક થયું હતું, પરંતુ અમને એવો ખ્યાલ નહોતો કે 2026માં પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થશે અને પેપર લીક થશે. હવે ફરીથી પરીક્ષા આપવાની છે, સમય ઓછો છે પરંતુ અમે રિવિઝન કરીશું અને માનસિક રીતે તૈયાર થઈશું.”

“MBBS કરી માસ્ટર ડોક્ટર બનવાનું સપનું અધૂરું રહી ગયું હોય તેવું લાગે છે” : આયુષ રાખોલિયા
અન્ય એક વિદ્યાર્થી આયુષ રાખોલિયાએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી ની કામગીરી પર સીધી નારાજગી વ્યક્ત કરી હતી. “અમારું ડ્રીમ હતું કે નીટમાં સારો સ્કોર મેળવીને MBBS માં એડમિશન લઈએ અને સારા ડોક્ટર બનીએ. 2024માં જ્યારે પેપર લીક થયું ત્યારે અમને એમ હતું કે ગઝઅ પોતાની ભૂલ સમજી જશે અને 2025 કે 2026માં આવું નહીં થાય. પરંતુ 2026માં પણ પેપર લીક થતાં અમારી મહેનત પાણીમાં ગઈ છે. આ સપનું અધૂરું રહી ગયું હોય તેવું દુ:ખ થઈ રહ્યું છે.” “અમે છેલ્લા 2 વર્ષથી રોજની 7 થી 8 કલાક મહેનત કરતા હતા. 2024માં પણ આવું થયું હતું અને 2026માં પણ એ જ ઈતિહાસ દોહરાયો છે. વારંવાર પેપર લીક થવાથી અમારો વિશ્વાસ ડગી રહ્યો છે.” સિસ્ટમની ખામીને કારણે નુકસાન ભોગવવા છતાં, આ વિદ્યાર્થીઓએ હાર ન માનવાનો અને ફરીથી લડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. ફરી પરીક્ષા યોજાય ત્યારે સમય ઓછો મળશે, તેમ છતાં જૂના મટિરિયલનું રિવિઝન કરી તેઓ બાજી સુધારવાનો પ્રયાસ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *