અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ફરી એરસ્ટ્રાઇક, 11 બાળકો સહિત 13નાં મોત

ત્રણ પ્રાંતમાં બોંબમારો કર્યો, જવાબી કાર્યવાહીની તાલિબાનની ચેતવણી મિડલ ઈસ્ટના સૈન્ય સંઘર્ષ વચ્ચે હવે દક્ષિણ એશિયામાં પણ યુદ્ધના નગારા વાગી રહ્યા છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે…

ત્રણ પ્રાંતમાં બોંબમારો કર્યો, જવાબી કાર્યવાહીની તાલિબાનની ચેતવણી

મિડલ ઈસ્ટના સૈન્ય સંઘર્ષ વચ્ચે હવે દક્ષિણ એશિયામાં પણ યુદ્ધના નગારા વાગી રહ્યા છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે સત્તાવાર દાવો કર્યો છે કે પાકિસ્તાની વાયુસેનાના ફાઈટર જેટ્સે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગીને અફઘાનિસ્તાનના સાર્વભૌમત્વ પર મોટો હુમલો કર્યો છે. આજે વહેલી સવારે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આ ભયાનક હવાઈ હુમલાઓમાં ઓછામાં ઓછા 13 નિર્દોષ નાગરિકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 14 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ લોહિયાળ સૈન્ય કાર્યવાહી બાદ બંને પડોશી દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો સરહદી તણાવ હવે યુદ્ધની અણી પર પહોંચી ગયો છે.

અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના મુખ્ય પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે બુધવારે પત્રકાર પરિષદમાં આ હુમલાની સત્તાવાર વિગતો આપી હતી. મુજાહિદના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની યુદ્ધ વિમાનોએ અફઘાનિસ્તાનની સરહદને અડીને આવેલા ત્રણ મુખ્ય પ્રાંતો – ખોસ્ત, કુનાર અને પક્તિકાને નિશાન બનાવીને અંધાધૂંધ બોમ્બમારો કર્યો હતો. તાલિબાન પ્રવક્તાએ જણાવ્યું કે, આ હુમલા કોઈ સૈન્ય ઠેકાણા પર નહીં
પરંતુ રહેણાંક વિસ્તારો પર કરવામાં આવ્યા હતા, જેમાં 11 માસૂમ બાળકો, એક મહિલા અને એક વૃદ્ધ વ્યક્તિએ પોતાના જીવ ગુમાવ્યા છે. તાલિબાન પ્રશાસને આ ક્રૂર લશ્કરી કાર્યવાહીની સખત શબ્દોમાં નિંદા કરી છે અને તેને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન ગણાવી કડક જવાબી કાર્યવાહીની ચેતવણી આપી છે. જો કે, પાકિસ્તાન સરકાર કે પાકિસ્તાની આર્મી તરફથી આ એર સ્ટ્રાઈક અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કે પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ’ડ્યુરેન્ડ લાઈન’ સરહદ પર છેલ્લા ઘણા મહિનાઓથી સ્થિતિ અત્યંત વિસ્ફોટક બનેલી છે. ચાલુ વર્ષના ફેબ્રુઆરી મહિનાના અંત ભાગથી જ બંને દેશોની સેનાઓ સામસામે ગોળીબાર અને મોર્ટાર મારો કરી રહી છે. આ સતત ચાલી રહેલી અથડામણો અને બંને તરફથી લેવામાં આવી રહેલા બદલાના પગલાંના કારણે અત્યાર સુધીમાં સેંકડો સૈનિકો અને સામાન્ય નાગરિકો માર્યા ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *