પાક. ગેંગસ્ટરનું નકલી ID બનાવનાર ગાંજો, બંદૂક અને નકલી નોટો સાથે ઝડપાયો

ગેંગસ્ટરનું ખોટુ આઇડી બનાવી વીડિયો બનાવી લોકોમાં રોફ જમાવતો ભુજનો શખ્સ અંતે ભરાયો ભુજના ચિટરો હવે ભારત સુધી મર્યાદિત ન રહેતા પાકિસ્તાનના કુખ્યાત ગેંગસ્ટરોથી પ્રેરાઇને…

ગેંગસ્ટરનું ખોટુ આઇડી બનાવી વીડિયો બનાવી લોકોમાં રોફ જમાવતો ભુજનો શખ્સ અંતે ભરાયો

ભુજના ચિટરો હવે ભારત સુધી મર્યાદિત ન રહેતા પાકિસ્તાનના કુખ્યાત ગેંગસ્ટરોથી પ્રેરાઇને સોશિયલ મીડિયા પર તેમના નામના નકલી એકાઉન્ટ બનાવી રોફ જમાવવાની કોશિશ કરી રહ્યા છે. તેવામાં પાકિસ્તાનના ગેંગસ્ટર શાહબાજ ભટ્ટીની ગુનાહિત માનસિકતાથી પ્રેરાયેલા ભુજના ઇસમેં તેને સોશિયલ મીડિયા પર ફોલો કરી ઇન્સ્ટાગ્રામમાં તેની નકલી આઈડી બનાવી હોવાનું ધ્યાને આવતા ચોંકી ઉઠેલી પોલીસે તાત્કાલિક તેને ઉઠાવી પૂછપરછ કરતા આરોપીના કબ્જામાંથી 669 ગ્રામ ગાંજાનો જથ્થો, દેશી બનાવટની બંદુક, નકલી નોટોના 181 બંડલ, છરી અને કુહાડી સહીતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસ આરોપીને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કર્યા બાદ પૂછપરછ કરવામાં આવશે. પ્રાપ્ત વિગતો મુજબ એસઓજીના પીઆઈ કે.એમ.ગઢવીને બાતમી મળી હતી કે, ભુજના ખાટકી ફળિયામાં રહેતો આરોપી આફતાબ ઉર્ફે અલ્તાફ રજાક ખાટકી પાકિસ્તાની ગેંગસ્ટર શાહબાજ ભટ્ટીને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરે છે અને પોતાના મોબાઈલમાં શાહબાજ ભટ્ટીના નામની બોગસ આઈડી બનાવી ગુનાહિત માનસિકતાથી પ્રેરાય તેવા વિડીયો અપલોડ કરતો હોવાનું જાણવા મળ્યું હતું.

બાતમી મળતા જ શનિવારે મોડી રાત્રે આરોપીને ભુજના ભીડનાકા વિસ્તારમાંથી ઉઠાવી લેવાયો હતો. જે બાદ એસઓજી કચેરી ખાતે તેની પૂછપરછ કરવામાં આવી હતી. એ દરમિયાન આરોપીએ પોતે ગાંજાનું વેચાણ કરતો હોવાની કબુલાત આપતા પોલીસે આરોપીના સલીમ મંઝીલ નામના ઘરમાં તપાસ કરી હતી. ત્યારે આરોપીના કબ્જામાંથી રૂૂપિયા 33 હજારની કિંમતના 669 ગ્રામ ગાંજા સહીત ગેરકાયદેસર રીતે રાખેલ દેશી બનાવટની બંદુક, ફૂટેલા કાર્ટીજ નંગ-3 તેમજ ટ્રોલીબેગ અને પેટીમાં રાખેલ ભારતીય ચલણી નોટો જેવી નકલી નોટોના 181 બંડલ,1 છરી અને 2 કુહાડી મળી આવી હતી. જે મામલે આરોપી વિરુદ્ધ એનડીપીએસ,આઈટી એક્ટ,આર્મ્સ એક્ટ સહીતની કલમો તળે ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આરોપીને સોમવારે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરી વધુ પૂછપરછ કરવામાં આવશે.

પાકિસ્તાની ગેંગસ્ટરથી પ્રેરાયેલા આરોપીની પોલીસે તપાસ કરી ત્યારે ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જે બાબતે પૂછપરછ કરતા પંદરેક દિવસ અગાઉ ગળપાદરથી ભરત વાઘેલા નામના શખ્સ પાસેથી 1 કિલો ગાંજો રૂૂપિયા 18 હજારમાં છુટક વેચાણ કરવા માટે ખરીદ્યો હતો. આરોપીને બંદુક રાખવાનો શોખ હોવાથી 2 મહિના અગાઉ ભચાઉ તાલુકાના શિકારપુર ગામના મિત્ર સિકંદર ઈસ્માઈલ ત્રાયા પાસેથી લાવ્યો હોવાની કબુલાત આપી હતી. આ ઉપરાંત નકલી નોટોના બંડલના વિડીયો બનાવી પોતે ઠગાઈ આચરતો હોવાનું અને વિડીયો વોટ્સએપ મારફતે પોતાના મિત્રને પણ મોકલાવ્યો હોવાની કબુલાત આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *