અન્ય રાજ્યોમાંથી ગુનેગારો પકડતા હોય તો ચંદ્રેશ કેમ નહીં?, દીકરીઓનો પોકાર
રાજકોટમાં સમૂહલગ્નના આયોજકો ફરાર થઇ જતા 28 યુગલો રઝળી પડ્યા હતા. 28 દીકરીઓ સાથે છેતરપીંડી કરનાર ચંદ્રેશ છાત્રોલા પોલીસ પકડથી દુર છે ત્યારે આજે છેતરપીંડીનો ભોગ બનેલી દીકરીઓએ પોલીસ કમિશ્નર સમક્ષ મદદની ગુહાર લગાવી સમૂહ લગ્ન ઠગાઈમાં પોલીસની ઢીલી તપાસના આક્ષેપ કર્યા હતા. ધરપકડની દહેશતે સૂત્રધાર ચંદ્રેશ છાત્રોલા કરેલી આગોતરા જામીન અરજી અદાલતે નામંજુર કરતો હુકમ કર્યો હોય છતાં પોલીસ તેણે પકડવામાં નિષ્ફળ ગઈ છે અને હજુ સુધી ચંદ્રેશ છાત્રોલાને કેમ પકડી શકી નથી ચંદ્રેશ છાત્રોલાને કોણ મદદ કરી રહ્યું છે ? તે બાબતની તપાસ કરવા માંગ કરી હતી.
રાજકોટમાં ઋષિવંશી સમાજ સેવા સંઘ દ્વારા ગત તા.22 ફેબ્રુઆરીના રોજ 28 દીકરીઓના સર્વ જ્ઞાતિ સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરીબ અને જરૂૂરિયાતમંદ લોકોના લગ્ન કરાવવાના બહાને મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા અને તેના સાગ્રીતોએ એક યુગલ પાસેથી 30 હજાર એમ 28 યુગલ પાસેથી લાખો રૂૂપિયા ઉઘરાવ્યા હતા, પરંતુ લગ્નના દિવસે આયોજકો લગ્ન સ્થળ છોડીને ફરાર થઈ ગયા હતા. જેના કારણે અનેક યુગલો અને તેમના પરિવારજનો રસ્તા પર રઝળી પડ્યા હતા. સમુહલગ્નના આયોજકો 28 દીકરીઓને રજળતા મૂકી નાસી છૂટતા હાહાકાર મચી ગયો હતો. આ બનાવ બાદ પોલીસે આરોપી દીપક દેવજી હિરાણી, મનીષ નટવરલાલ વિઠ્ઠલાપરા, દિલીપ ઉર્ફે દિલ્પેશ પ્રવિણ ગોહિલ અને દિલીપ ગીરધર વરસડા અને હાર્દિક શીશાંગીયાની ધરપકડ કરી હતી. જે તમામ હાલ જામીન પર છૂટેલા છે.
જયારે મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ જગદીશભાઈ છાત્રોલાએ પોલીસ ધરપકડની દહેશતે રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે જામીન નામંજૂર થઇ હોય આ બનાવના 25 દિવસ બાદ પણ હજુ સુધી મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ જગદીશભાઈ છાત્રોલાને પોલીસ પકડી શકી નથી ત્યારે આજે છેતરપીંડીનો ભોગ બનેલી દીકરીઓએ પોલીસ કમિશ્નર સમક્ષ મદદની ગુહાર લગાવી તેમની રકમ પરત અપાવી ચંદ્રેશ જગદીશભાઈ છાત્રોલાને તાત્કાલિક પડકી પાડવા માંગ કરી અન્ય રાજ્યો માંથી ગુનેગારોને પકડી પાડતી પોલીસ ચંદ્રેશ છાત્રોલાને કેમ પકડી પાડવામાં નિષ્ફળ ગઈ છે.
