રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા માર્ગ સલામતીની બેઠક યોજાઈ હતી. જેમાં માર્ગ સલામતીને લઈને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા, નેશનલ હાઈવે ડિવિઝન, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ્સ/પંચાયત, રૂૂડા સહિતના વિભાગોની કામગીરી અંગે સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં કલેકટરશ્રી દ્વારા અનધિકૃત દબાણ, ટ્રાફિક જામ, ગેરકાયદે તોડવામાં આવેલા ગેપ-ઈનમીડિયન, ક્ષતિગ્રસ્ત સર્વિસ રોડ, મુખ્ય માર્ગો પર પડેલા ખાડાઓમાં પેચવર્ક અને રિસર્ફેસિંગની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને સંબંધિત અધિકારીઓને બાકી રહેલી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરી હતી. વધુમાં કલેક્ટરે રેસ્ટોરન્ટ અને પેટ્રોલ પંપ આસપાસ ગેરકાયદે ગેપ-ઈનમીડિયન તોડીને રસ્તો બનાવાના કારણે જીવલેણ અકસ્માતની ઘટના બનતી હોય છે ત્યારે વારંવાર આવી પ્રવૃત્તિ કરનાર લોકો વિરુદ્ધ કડક દંડનીય કાર્યવાહી કરવા જણાવ્યું હતું તેમજ ચોમાસાની ઋતુને ધ્યાને લઈ વાહન ચાલકોને તકલીફ ન પડે તે માટે ક્ષતિગ્રસ્ત રોડ રસ્તાઓનું ક્વિક રિસ્પોન્સ સાથે સમારકામની કામગીરી કરવા પર ભાર મૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે, હાઈ-વે ઉપર ગેરકાયદે ગેપ કરતાં લોકો સામે પગલાં ભરવાની દરેક બેઠકોમાં સુચના અપાય છે પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી.
આ બેઠકમાં પ્રેઝન્ટેશન મારફત રોડ રસ્તા રિપેરિંગને લઈને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા, આર.એન્ડ.બી. પંચાયત/સ્ટેટ, રૂૂડા સહિતની વિવિધ એજન્સી દ્વારા કરવામાં આવેલી કામગીરીની માહિતી પુરી પાડી હતી. હાલ ગ્રીનલેન્ડ ચોકડી થી ગોંડલ ચોકડી તથા ગોંડલ ચોકડી થી ગોંડલ સુધીના સર્વિસ રોડ ઉપર રોડ-રીપેરીંગની કામગીરી શરૂૂ હોવાનું નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જણાવાયું હતું. સાથો સાથ રાજકોટ-મોરબી રોડ પરના 56 જેટલા, રાજકોટ ભાવનગર હાઇવે પરના 22 જેટલા ગેરકાયદે ગેપ-ઈનમીડિયન પુન:બંધ કરાયાનું જણાવ્યું હતું.
આ તકે રાજકોટ પોલીસ અધિક્ષક હિમકરસિંહએ નેશનલ હાઈવે ઉપર અકસ્માત બાદ ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે, ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાને અસરગ્રસ્ત વાહનને ઝડપથી દૂર કરવા જરૂૂરી ક્રેઈન અને મશીનરીની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવા સૂચનો આપ્યા હતા.વિશેષમાં આગામી તા.15 ઓગસ્ટ,2025ના રોજ અકસ્માતમાં ઘાયલોને મદદરૂૂપ બનનાર નગુડ સેમરિટનથ લોકોને સન્માનિત કરવામાં આવશે. જયારે અકસ્માતમાં ઘાયલને હોસ્પિટલમાં રૂૂ. દોઢ લાખ સુધીની કેશલેસ સારવાર મળવાપાત્ર હોવાનું વાહનવ્યવહાર અધિકારીશ્રી કેતન ખપેડે જણાવ્યું હતું. જેના પ્રચાર પ્રસાર માટે આઈ.એમ.એ., રોટરી ક્લબ, રેડક્રોસ સહિતની એન.જી.ઓ. સહભાગી બને તેમ કલેકટરશ્રીએ સંલગ્ન સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓને જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, નિવાસી અધિક કલેકટર શ્રી એ.કે. ગૌતમ, આસિસ્ટન્ટ કલેકટર શ્રી મહેક જૈન, પ્રાંત અધિકારીશ્રી વિમલ ચક્રવર્તી, ગ્રામ્ય એસ.પી. શ્રી એસ.એસ.રાઘવન્દુ, સહિત સિવિલ, શિક્ષણ, 108 સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રી તેમજ પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
