પીએસઆઈથી લઈ કોન્સ્ટેબલની કામગીરીનું દર ત્રણ મહિને મૂલ્યાંકન કરાશે
ક્રાઈમ બ્રાંચના બીજા ડીસીપી તરીકે જગદીશ બાંગરવાએ ચાર્જ સંભાળ્યો છે. શહેરની અત્યંત મહત્વની ગણાતી ક્રાઈમ બ્રાંચમાં ચાર્જ સંભાળ્યાની સાથે જ જગદીશ બાંગરવાએ એસીપી તેમજ પીઆઈ, પીએસઆઈ સહિતનાં તમામ સ્ટાફ સાથે મીટીંગ યોજી હતી અને આ મીટીંગ દરમિયાન ક્રાઈમ બ્રાંચની કામગીરી અંગે ચર્ચા કરી ક્રાઈમ બ્રાંચના તમામ સ્ટાફને સ્પષ્ટતા પૂર્વક ગુનાના ભેદ ઉકેલવાની કામગીરી તેજ બનાવવા સુચના આપી હતી. નવનિયુકત ડીસીપી જગદીશ બાંગરવાએ ક્રાઈમ બ્રાંચના સ્ટાફને સ્પષ્ટ મેસેજ આપી દીધો હતો કે ક્રાઈમ બ્રાંચમાં હવે લાગવગીયા નહીં પણ કાર્યદક્ષને જ સ્થાન મળશે.
ક્રાઈમ બ્રાંચની કામગીરીને લઈને દર ત્રણ મહિને રિવન્યુ મીટીંગ કરવામાં આવશે અને જેના આધારે ક્રાઈમ બ્રાંચમાં સ્ટાફની પસંદગી કરવામાં આવશે. શહેરમાં ગુનાખોરીને કાબુમાં લેવા અને મોટા ગુનાઓનો ભેદ ઉકેલવા માટે મહત્વની કામગીરી કરતી ક્રાઈમ બ્રાંચમાં કડક અધિકારી તરીકે છાપ ધરાવતાં જગદીશ બાંગરવાની ડીસીપી તરીકે નિમણૂંક થયા બાદ તેમણે ચાર્જ સંભાળ્યો હતો. ડીસીપ્લીનના આગ્રહી આઈપીએસ જગદીશ બાંગરવાએ ક્રાઈમ બ્રાંચમાં ચાર્જ સંભાળતાની સાથે જ પીઆઈ તેમજ પીએસઆઈ અને સ્ટાફ સાથે મીટીંગ કરીને ચર્ચાઓ કરી હતી. જેમાં કેટલીક સુચનાઓ પણ આપવામાં આવી હતી.
કોઈપણ બનાવ બને ત્યારે સ્થાનિક પોલીસ સાથે તાત્કાલીક ક્રાઈમ બ્રાંચ પહોંચી જાય તેવો પ્રયાસ કરવો તેમજ કોઈપણ અરજદારને ક્રાઈમ બ્રાંચ કચેરીના સ્ટાફે શાંતિપૂર્ણ સાંભળી અને તેને ન્યાય મળે તેવી કામગીરી કરવી.અગાઉ અનેક બાબતોમાં વિવાદમાં આવેલી ક્રાઈમ બ્રાંચમાં હવે કડક અધિકારીની નિમણૂંક થતાં જ સ્ટાફ પણ ડીસીપ્લીનમાં આવી જાય તેવું ચર્ચાઈ રહ્યું છે. જો કે હાલની કામગીરીને લઈને ડીસીપી જગદીશ બાંગરવાએ સંતોષ વ્યકત કર્યો હતો પરંતુ સ્ટાફને ડીટેકશનની કામગીરી સિવાય અન્ય બાબતોથી દૂર રહેવા અને વિવાદમાં નહીં આવવા સ્પષ્ટ સુચના આપીને એ અણસાર આપ્યો છે કે ક્રાઈમ બ્રાંચમાં હવે કોઈ લાગવગીયા નહીં પણ કાર્યદક્ષને સ્થાન મળશે અને દર ત્રણ મહિને કામગીરીનું મૂલ્યાંકન કર્યા બાદ ક્રાઈમ બ્રાંચમાં કોને રાખવા ? તે બાબતનો નિર્ણય પણ લેવામાં આવશે.
