ગેમઝોન અગ્નિકાંડના જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ જ બાકી: હાઇકોર્ટમાં પોલ ખુલી પડી

અધિકારીઓ જેલમાં હોવાથી તપાસ થઇ નહીં હોવાનો ‘સરકારી’ જવાબ રજૂ થતા હાઇકોર્ટે ઉઠાવ્યા સવાલ જેલમાં રહેલા અધિકારીઓને વીડિયો કોન્ફરન્સથી તપાસો પણ ઝડપથી ઇન્કવાયરી પૂરી કરો:…

અધિકારીઓ જેલમાં હોવાથી તપાસ થઇ નહીં હોવાનો ‘સરકારી’ જવાબ રજૂ થતા હાઇકોર્ટે ઉઠાવ્યા સવાલ

જેલમાં રહેલા અધિકારીઓને વીડિયો કોન્ફરન્સથી તપાસો પણ ઝડપથી ઇન્કવાયરી પૂરી કરો: ચીફ જસ્ટિસ

અધિકારીઓના ખિસ્સામાંથી વળતર ચૂકવવાની પીડિતોની માંગણીના કેસમાં સુનાવણી સમયે અનેક ક્ષતિઓ બહાર આવી, કોઇ અધિકારી જવાબદાર ઠર્યા નથી તો વળતર કેવી રીતે ચૂકવવું?

રાજકોટના ગોઝારા અગ્નિકાંડને એક વર્ષ પુરૂ થવા જઇ રહ્યું છે પરંતુ જેની મિલીભગતથી આ જધન્ય દુર્ઘટના બની છે તે મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે હજુ સુધી ખાતાકીય તપાસ બાકી હોવાનો ધડાકો હાઇકોર્ટમાં ગઇકાલે સુનાવણી દરમિયાન થયો હતો અને આશ્ર્ચર્યની વાત તો એ છે કે સરકારે હાઇકોર્ટમાં એવો જવાબ રજુ કર્યો છે કે અધિકારીઓ જેલમાં હોવાથી તપાસ થઇ શકી નથી. હાઇકોર્ટે પણ આશ્ર્ચર્ય વ્યકત કર્યું હતું અને આ બાબતે ટકોર કરી હતી અને ગંભીરતા પુર્વક જણાવ્યું હતું કે જેલમાં રહેલા અધિકારીઓને વિડીયો કોન્ફરન્સથી તપાસો અને આ બાબતે હાઇકોર્ટમાં ખાતાકીય તપાસને લઇને અનેક ક્ષતીઓ પણ બહાર આવી છે.

25 મે 2024ના રોજ 27 જીંદગીઓને ભરખી જનારી ગોઝારી દુર્ઘટનાને લઇને થઇ જાહેર હીતની અરજીની ગઇકાલે સુનવણી હાથ ધરાઇ હતી જેમાં ભોગ બનનારના પરિવારજનોએ વધારાના વળતરની માંગણી કરી હતી. અને આ મામલે રાજય સરકાર અને ગુજરાત સરકાર દ્વારા અગાઉથી વળતર આપી દેવામાં આવ્યું છે પરંતુ વધારાનું વળતર ચુકવવા માટે ટીઆરપી ગેમઝોનના માલીકો અને જવાબદાર અધિકારીઓ પાસેથી વળતર વસુલાવું જોઇએ.

પીડીત પરિવારજનોના વકીલે માંગણી કરી હતી કે વધારાનું વળતર ચુકવવામાં આવે પરંતુ હાઇકોર્ટે જણાવ્યું હતું કે ગેમઝોનના માલીકો અને જવાબદાર અધિકારીઓની ભુમીકા સ્પષ્ટ થાય તો તેમની પાસેથી વળતર આપી શકાય. આ મામલે સરકારી વકીલે જવાબ રજુ કર્યો હતો કે અધિકારીઓ સામે ખાતાકીય તપાસ જ બાકી છે. અને ઘટસ્ફોટ કર્યો હતો કે આ અધિકારીઓ જેલમાં હોવાથી અમે ખાતાકીય તપાસ કરી શકયા નથી. સરકાર ધારે તો કોઇપણ અધિકારીની તપાસ કરી શકે છે. હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશે પણ ટકોર કરી હતી કે જો ખાતાકીય તપાસના અંતે અધિકારી દોષીત પુરવાર થાય તો જ તેની પાસેથી પીડીતોને વળતર અપાવી શકાય.

સરકાર તરફે ઢીલી કામગીરીથી હાઇકોર્ટે પણ ઝાટકણી કાઢી હતી કે જો ખાતાકીય તપાસમાં વિલંબ થશે તો અત્યારે જે સાક્ષીઓ હાલમાં ઉપલબ્ધ છે તે પણ મળી શકે નહી અને તપાસ ખોરવાઇ જશે. તેમજ પુરાવાઓ પણ ગાયબ થવા લાગે. સરકાર ઇચ્છે તો વિડીયો કોન્ફરન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. તાત્કાલીક જવાબદાર અધિકારીઓના નિવેદન નોંધવાનું શરૂ કરવું જોઇએ અને જલદીથી ખાતાકીય તપાસ પુરી કરી દેવી જોઇએ.

કોઇપણ દુર્ઘટના બાદ ઝડપથી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની વાતો કરતી સરકાર ખુદ પોતાના જ અધિકારીઓ સામે હજુ સુધી ખાતાકીય તપાસ પણ ચાલુ કરી શકી નથી. પરિણામે જે લોકોની બેદરકારીથી આ ગેમઝોન કાંડ સર્જાયો તેની સામે તપાસ ન થવાથી તેઓના બચવાની શકયતા પણ વધી ગઇ છે.

આ અંગે ગેમઝોનના માલીકો તેમજ અધિકારીઓને વધારાના વળતરની માંગણીની અરજીમાં પક્ષકાર તરીકે જોડવા જોઇએ કે કેમ તે સહીતના મુદ્દે આગામી સુનાવાણી 18 જુલાઇના રોજ મુકરર કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટના બંને તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરો આનંદ પટેલ અને અમિત અરોરાએ આખરે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ માફી માંગી હતી. બંને મ્યુનિસિપલ કમિશનરોએ હાઇકોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને સમગ્ર દુર્ઘટનાકાંડને લઇ મૃતકો અને તેમના પરિજનો પરત્વે ભારે સંવેદના પ્રગટ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *