વિરાણી હાઇસ્કૂલની જમીનમાં કોમર્સિયલ પ્રવૃત્તિ ચાલતી હોવાનો મામલતદારનો રિપોર્ટ

ક્રિકેટ કોચિંગ કેમ્પ સહિત 21 ધંધાર્થીઓના નિવેદનો નોંધાયા, શરતભંગની તોળાતી કાર્યવાહી શહેરની વિરાણી હાઈસ્કૂલને અપાયેલી સરકારી જમીન પર શરત ભંગ અંગે સિટી પ્રાંત-1 ડો. ચાંદની…

ક્રિકેટ કોચિંગ કેમ્પ સહિત 21 ધંધાર્થીઓના નિવેદનો નોંધાયા, શરતભંગની તોળાતી કાર્યવાહી

શહેરની વિરાણી હાઈસ્કૂલને અપાયેલી સરકારી જમીન પર શરત ભંગ અંગે સિટી પ્રાંત-1 ડો. ચાંદની પરમારે પશ્ચિમ મામલતદાર પાસેથી બીજી વખત વિસ્તૃત રિપોર્ટ મંગાવ્યો હતો. દરમિયાન કલેક્ટર કચેરીના ટોચના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, પશ્ચિમ મામલતદાર અને તેમનીમાં ટીમે સર્વે હાથ ધરતા કેટલાક તથ્યો સામે આવ્યા છે.

સર્વે દરમિયાન હાઈસ્કૂલના મેદાનમાં . 21 જેટલા ધંધાર્થીઓ ગેરકાયદેસર રીતે ધંધો કરતા હોવાનું માલુમ પડ્યું છે. આમાં એક મોટો ક્રિકેટ કોચિંગ કેમ્પ પણ સામેલ છે. મામલતદાર અને તેમની ટીમે આ 20 થી 21 જેટલા ધંધાર્થીઓના નામ સરનામા સાથે નિવેદનો નોંધ્યા છે.

કેટલાક ધંધાર્થીઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તેમને ખાલી જમીન આપવામાં આવી છે અને તેઓ ત્યાં ખાણીપીણી તથા અન્ય ધંધા કરી રહ્યા છે. વધુમાં, તેઓએ જણાવ્યું કે વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને આઈકાર્ડ બતાવવા પર 10 થી 15 ટકા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે. બીજી તરફ, ક્રિકેટ કોચિંગ કેમ્પ ચલાવતા બે સંચાલકોએ એવું નિવેદન આપ્યું છે કે તેમને ક્રિકેટની તાલીમ માટે જ આ જમીન આપવામાં આવી છે. અને તેઓ શાળાના વિદ્યાર્થીઓને મફતમાં ક્રિકેટની તાલીમ આપે છે.

કચેરીના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે પશ્ચિમ મામલતદાર દ્વારા હાઈસ્કૂલમાં ચાલી રહેલા આ કોમર્શિયલ પ્રવૃત્તિઓ અંગેનો વિસ્તૃત રિપોર્ટ આજે અથવા તો આવતા અઠવાડિયામાં સિટી પ્રાંત-1 ડોક્ટર ચાંદની પરમારને સુપરત કરવામાં આવશે.આ રિપોર્ટ મળ્યા બાદ ડો. ચાંદની પરમાર વિરાણી હાઈસ્કૂલની જમીનના શરત ભંગ અંગે હાઈસ્કૂલના ટ્રસ્ટીઓને અને ધંધાર્થીઓને નોટિસ આપશે.

ઉલ્લેખનીય છે કે વિરાણી હાઈસ્કૂલની પાયાની સરકારી જમીનનો એક કેસ હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે અને તેની બે સુનાવણી પણ પૂર્ણ થઈ ચૂકી છે. આ નવા ખુલાસાઓ બાદ આ કેસમાં શું વળાંક આવે છે તે જોવું મહત્ત્વનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *