રાજકોટના સબ યાર્ડમાં સૂકી ડુંગળીની મબલખ આવક થઇ છે. 600 થી વધારે વાહનોમાં 80,000 કટ્ટા યાર્ડમાં ઠલવાયા હતા. ડુંગળીની આવક વધી છે. પરંતુ લેવાલી ઓછી થતા ભાવ પર તેની અસર પડી છે. હાલ યાર્ડમાં સારી ગુણવતાની ડુંગળીનો ભાવ કિલોએ રૂ. 30 અને ઓછી ગુણવતાવાળી ડુંગળીનો કિલોએ રૂ. 7 બોલાઇ રહયો છે.
રાજકોટ યાર્ડમાં ડુંગળીની દૈનિક આવક 26 લાખ કિલોએ પહોંચી છે. જે અત્યાર સુધીની રેકોર્ડબ્રેક આવક કહી શકાય. આવક વધારે છે, સામે લોકલ ડિમાન્ડ પણ નથી અને એક્સપોર્ટનું ચિત્ર પણ બદલાયું છે. ત્યાંની ડિમાન્ડ પણ ઘટી છે. જેને કારણે સ્થાનિક માર્કેટમાં ભાવમાં ઘટાડો આવ્યો છે.જે ડુંગળીનો ભાવ બે મહિના પહેલાં રૂૂ.20થી 30 સુધી બોલાતો હતો તેનો ભાવ અત્યારે રૂૂ.7થી 30 સુધી બોલાઇ રહ્યા છે.
રેકોર્ડબ્રેક આવક થવાને કારણે યાર્ડમાં ડુંગળી સમાવવી એ પણ એક પ્રશ્ન થયો છે.આથી યાર્ડમાં પડતર માલનો નિકાલ થયા બાદ નવી આવક બંધ રાખવામાં આવી રહી છે. તેમ યાર્ડના ઈન્સ્પેક્ટર કનુભાઈ ચાવડા જણાવી રહ્યા છે.યાર્ડમાં ડુંગળીની આવક વધારે હોવાને કારણે સોમવારે રાત્રે પણ વાહનોને યાર્ડમાં પ્રવેશ આપવો પડ્યો હતો.
સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો યાર્ડમાં ડુંગળી વેચવા માટે આવ્યા હોવાને કારણે હાઈવે પર વાહનોના થપ્પા જોવા મળ્યા હતા. બીજા રાજ્યોમાંથી પણ ડુંગળીની આવક થઇ રહી છે. નવેમ્બર મહિના સુધી રાજકોટ યાર્ડમાં ડુંગળીની આવક 12 લાખ કિલો હતી અને તેનો ભાવ પ્રતિ કિલો રૂૂ.30 સુધી વસૂલાતો હતો. હજુ 15 દિવસ સુધી આ આવક યથાવત્ રહે તેવી સંભાવના વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટ ઉપરાંત ગોંડલ, જામનગર, ખંભાળિયા, ધ્રોલ સહિત સૌરાષ્ટ્રભરના યાર્ડમાં ડુંગળીની આવક વધી રહી છે.
સૌરાષ્ટ્રની ડુંગળીની માંગ અન્ય રાજ્યમાં સૌથી વધારે છે પણ હાલ અન્ય રાજ્યમાંથી પછી ખરીદી કરવા વેપારીઓ ઉદાસીન હોય યાર્ડમાં ડુંગળીનો સતત ભરાયો થયો હતો.
ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં જુલાઇ માસમાં ડુંગળીનું પાછોતરું વાવેતર થયું હતું. આ સમયે ડુંગળીને અનુકૂળ વાતાવરણ હોવાને કારણે ઉત્પાદન વધારે આવ્યું હતું. ઉત્પાદન એકીસાથે આવતા હાલ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના યાર્ડમાં ડુંગળીની આવકમાં વધારો થયો છે.
હાલ ડુંગળીની સિઝન ચાલી રહી છે અને આગામી દિવસોમાં લગ્નની સિઝન શરૂ થશે ત્યારે ફરી ડુંગળીની લેવાલી નીકળશે ત્યારે ભાવમાં પણ સુધારો થવાની આશા વેપારીઓએ વ્યકત કરી છે.
