ગુજરાતમાં સુરક્ષાના અભાવે એક લાખ લોકો પાસે હથિયાર: ગોપાલ ઇટાલિયા

વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આજે રાજકોટ ખાતે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજીને રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા…

વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આજે રાજકોટ ખાતે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજીને રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે વિધાનસભામાં પૂછેલા પ્રશ્નોનો હવાલો આપીને મુખ્યત્વે બે મુદ્દાઓ – રાજ્યની કથળતી કાયદો-વ્યવસ્થા અને પોલીસતંત્રના રાજકીય દુરુપયોગ પર જનતાનું ધ્યાન દોર્યું હતું.

ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં લોકોને હવે સરકાર કે કાયદા વ્યવસ્થા પર ભરોસો રહ્યો નથી. માત્ર સુરત અને અમદાવાદ જિલ્લામાં જ 8,000 જેટલા લોકોએ સ્વરક્ષણ માટે રિવોલ્વરના લાયસન્સ લીધા છે, જેમાં સુરતના 2,900 અને અમદાવાદના 5,100 લોકોનો સમાવેશ થાય છે. વધુમાં 1,000થી વધુ અરજીઓ હજુ પેન્ડિંગ છે. આ લોકોએ અરજીમાં સ્પષ્ટ લખ્યું છે કે તેમના ’જીવ અને મિલકતને જોખમ’ છે.

તેમણે દાવો કર્યો હતો કે સરકારે નાગરિકોને સુરક્ષાની બાહેંધરી આપવાના બદલે સીધા હથિયારના લાયસન્સ પકડાવી દીધા છે. એક અંદાજ મુજબ સમગ્ર ગુજરાતમાં લગભગ એક લાખ જેટલા લોકો લાયસન્સવાળા હથિયારો લઈને ફરી રહ્યા છે, જે યુપી-બિહાર જેવા ’ગન કલ્ચર’ તરફ ઈશારો કરે છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં પોલીસ દ્વારા થઈ રહેલી કથિત હેરાનગતિનો મુદ્દો ઉઠાવતા ઇટાલિયાએ જણાવ્યું હતું કે, આખા ગુજરાતમાં પોલીસનો ઉપયોગ માત્ર આમ આદમી પાર્ટીના કાર્યકરોને પકડવા, ધમકાવવા અને ડરાવવા માટે થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *