સૌરાષ્ટ્રના રાજકોટ જીલ્લાના સુપ્રસિદ્ધ જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય સંત શિરોમણી કે શ્રી જલારામ બાપાની જગ્યા આવેલ છે, દેશવિદેશથી પૂજ્ય જલારામ બાપાના દર્શને લાખો દર્શનાર્થીઓ આવે છે,પૂજ્ય જલાબાપાએ શરૂૂ કરેલ સદાવ્રત અન્નક્ષેત્ર 2007 વર્ષે આજે પણ અવિરત ચાલુ છે.
પૂજ્ય સંત શ્રી જલારામ બાપા સેવકો સાથે ભજન કરતા કરતા વિક્રમ સવંત 1937 મહા વદને દશમીને બુધવારના દિવસે વૈકુંઠવાસ થયા હતા ત્યારથી ગુજરાતી માસ મુજબ મહા વદને દશમીના દિવસે પૂજ્ય જલારામ બાપાનો નિર્વાણ દિન એટલે પૂજ્ય જલાબાપાની પુણ્યતિથી તરીકે માનવામા આવે છે ચાલુ વર્ષે પૂજ્ય જલારામ બાપાની 145મી પુણ્યતિથિ છે જે તા.12 ફેબ્રુઆરીને ગુરુવારે છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિના દિવસે 12 ફેબ્રુઆરી ગુરુવારના રોજ સમગ્ર વીરપુર ગામના તમામ નાના મોટા વેપારીઓ અને વીરપુર વેપારી એસોસિએશન પણ સંપૂર્ણપણે પોતાના રોજગાર ધંધા બંધ પાળીને પૂજ્ય જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે, વીરપુર આવતા ભાવિકો, યાત્રાળુઓ માટે પૂજ્ય જલારામ બાપાની જગ્યામાં અન્નક્ષેત્ર તેમજ પૂજ્ય જલાબાપાના દર્શન રાબેતા સમય મુજબ ચાલુ રહેશે.
વેપારી એસોસિએશનના રમેશભાઈ ગઢિયાએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે મહા વદ દશમ (દશમી) 12 ફેબ્રુઆરી ગુરુવારના રોજ હોવાથી પૂજ્ય જલારામ બાપાના મંદિરના જણાવ્યા પ્રમાણે પૂજ્ય જલાબાપાની પુણ્યતિથિ નિર્વાણ દિવસ તરીકે મનાવી તમામ વેપારીઓ પોતાના રોજગાર ધંધા બંધ રાખી પૂજ્ય જલારામ બાપાને શ્રદ્ધાંજલી આપશે.
