રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા માલિયાસણ ગામે એક સનસનીખેજ ઘટના સામે આવી છે. સોમનગર મેઈન રોડ પર રહેતા 72 વર્ષીય નિવૃત વૃદ્ધ નાનજીભાઈ ઉકાભાઈ ચાવડાએ મનુભાઈ પુનાભાઈ ચાવડા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, નાનજીભાઈના પૌત્ર કુલદીપ અને આરોપી મનુભાઈની પુત્રી આરતી સાથે પ્રેમ સંબંધ હતો અને તેઓ કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા હતા. આ બાબતનો ખાર રાખીને આરોપી મનુભાઈ અવારનવાર વૃદ્ધ અને તેમના પરિવાર સાથે ઝઘડો કરતો હતો, જેના કારણે કંટાળીને નાનજીભાઈનો પરિવાર માલિયાસણ છોડી રાજકોટ રહેવા આવી ગયો હતો.
બનાવની વિગત એવી છે કે ગત તારીખ 12/03 ના રોજ નાનજીભાઈ તેમના પૌત્ર ગૌતમ સાથે માલિયાસણ ગામના સ્મશાનમાં તેમના દિવંગત પુત્ર હર્ષદની સમાધિ પર ફૂલહાર કરવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે આરોપી મનુભાઈએ તેમનો રસ્તો રોકી બોલાચાલી અને ગાળાગાળી શરૂૂ કરી હતી. આરોપીએ એવી ધમકી આપી હતી કે જો હવે પછી નાનજીભાઈ કે તેમના પરિવારનો કોઈ સભ્ય ગામમાં દેખાશે તો તે તમામને જાનથી મારી નાખશે. આ ભયાનક પરિસ્થિતિમાં પૌત્ર ગૌતમે તાત્કાલિક 112 નંબર પર ફોન કરીને પોલીસની મદદ માંગી હતી. ઘટના બાદ શરૂૂઆતમાં પોલીસમાં અરજી કરવામાં આવી હતી, પરંતુ બંને પક્ષો વચ્ચે સમાધાન ન થતા આખરે તારીખ 07/04 ના રોજ વિધિવત ફરિયાદ નોંધાઈ છે.
