અચાનક ધક્કો લાગતા પેટ્રોલ ઢોળાયું અને વૃધ્ધ આગની ઝપટમાં આવી ગયા, દાહોદના ગરબાડા ગામની ઘટના
દાહોદના ગરબાડામાં મહાશિવરાત્રિ નિમિતે યોજાયેલી શિવજી યાત્રા સમયે એક અત્યંત ગંભીર દુર્ઘટના બની હતી. આગના કરતબની તૈયારી માટે કરતબ કરનાર પેટ્રોલથી વર્તુળ બનાવતા હતા, આ સમયે અચાનક ભયાનક આગ લાગી અને નાસભાગ મચી.ત્યારે ધક્કો લાગવાથી એક વૃદ્ધ આગની ચપેટમાં આવ્યા હતા. જેનો લાઈવ વીડિયો પણ સામે આવતા ચકચાર મચી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગરબાડામાં મહાશિવરાત્રિએ શિવજીની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાત્રિના સમયે કરતબો માટે મંડળી પણ આવી હતી. જેને જોવા માટે રમણભાઈ રાઠોડ પણ પહોંચ્યા હતા. રમણભાઈ મંડળીના કરતબ નિહાળી રહ્યા હતા.
આ સમયે કરતબ કરવા માટે પેટ્રોલ છાંટીને અગાઉથી જ વર્તુળ બનાવેલું હતું. જે બાદ પેટ્રોલથી સંપૂર્ણ વર્તુળ બનાવવા જતા કરતબ કરનારના હાથમાંથી પેટ્રોલનું કેન નીચે પડ્યું. ત્યારે ભયાનક આગ લાગી હતી, જેની ચપેટમાં રમણભાઈ આવી ગયા હતા.
જોતજોતામાં રમણભાઈ સંપૂર્ણ રીતે આગની ચપેટમાં આવી ગયા અને જીવતા સળગવા લાગ્યા હતા. જેનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. આ દુર્ઘટના સમયે ત્યાં હાજર લોકોમાં નાસભાગ મચી અને અફરાતફરીનો માહોલ સર્જાયો.જ્યારે રમણભાઈને બચાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો.એ સાથે આગ પર કાબૂ મેળવવાની પણ કોશિશ કરી. પરંતુ ભયાનક આગના કારણે રમણભાઈ ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમને તાત્કાલિક સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે દાજી જવાના કારણે 12 કલાકની સારવાર બાદ આજે રમણભાઈ જીંદગી સામેનો જંગ હારી ગયા. અને તેમનું નિધન થયું છે. હાલ તેમનો મૃતદેહ પોસ્ટમોર્ટમમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે રમણભાઈના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે.
મૃતકના પુત્ર જશવંત રાઠોડે જણાવ્યું હતું કે મારા પિતા શિવજી કી સવારીની યાત્રા જોવા ગયા હતા. તે દરમિયાન તેઓ આગની ચપેટમાં આવી ગયા હતા અને ગંભીર રીતે દાઝી ગયા હતા.જેના કારણે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન આજે બપોરના સમયે મૃત્યુ પામ્યા હતા.
શિવજીની યાત્રામાં આગના કરતબ કરતી મંડળીઓ દ્વારા નજીવા સુરક્ષા પગલાં લેવાયા હોવાનું સામે આવ્યું છે, જેના કારણે આ દુર્ઘટના બની હતી. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં શોક વ્યાપી ગયો છે.
