વાંકાનેર તાલુકાના સતાપર ગામે રહેતા 19 વર્ષીય કરણ કાળાભાઈ સરેચા નામના યુવાને ગત રાત્રિના સમયે પોતાના ઘરે અગમ્ય કારણોસર એસિડ પી લેતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની ગંભીર હાલતને જોતા વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કરણ સરેચા જામનગર રોડ પર આવેલી આનંદ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે. પ્રાથમિક તપાસમાં એવી શંકા સેવાઈ રહી છે કે, છેલ્લા કેટલાક સમયથી કરણ અભ્યાસના ભારે ટેન્શનમાં હતો. પરીક્ષા કે અભ્યાસના ભારણને કારણે માનસિક રીતે વ્યગ્ર બનેલા યુવાને આવેશમાં આવી જઈને આ આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે, પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે શું ખરેખર અભ્યાસનું દબાણ જ જવાબદાર છે કે અન્ય કોઈ કારણ.
કરણના પિતા કાળાભાઈ મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.કરણ તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હોવાથી પરિવારની તમામ આશાઓ તેના પર ટકેલી હતી. હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ દ્વારા જરૂૂરી કાગળો તૈયાર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
