રાજકોટમાં હવે પોણા બે લાખ લોકોને નલ સે નહીં, ટેન્કર સે જલ

ફરી ટેન્કર યુગ, સ્ટેન્ડિંગ કમિટીમાં આખા વર્ષનો રૂા.6.50 કરોડનો કોન્ટ્રાક્ટ મંજૂર: પૂર્વ મયર સ્વ.જનકભાઇ કોટકને શ્રધ્ધાંજલિ અપાઇ રાજકોટની એ કમનસીબી કહેવાય એ આજે દેશને આઝાદ…

ફરી ટેન્કર યુગ, સ્ટેન્ડિંગ કમિટીમાં આખા વર્ષનો રૂા.6.50 કરોડનો કોન્ટ્રાક્ટ મંજૂર: પૂર્વ મયર સ્વ.જનકભાઇ કોટકને શ્રધ્ધાંજલિ અપાઇ

રાજકોટની એ કમનસીબી કહેવાય એ આજે દેશને આઝાદ થયાના આટલા વર્ષ પછી પણ ટેન્કર યુગમાંથી આઝાદ થયુ નથી. ‘માનવી ત્યા સુવિધા’ તેવી છાશવારે ડંકાસ મારતા શાસક ભાજપનું મનપામાં આટલા વર્ષો સુધીના શાસન પછી પણ શહેરના હજારો લોકો હજુ પણ ટેન્કરનું પાણી પી રહ્યા છે. કહેવાતા વિકસિત વિસ્તારમાં સંખ્યાબંધ વિસ્તારોમાં હજુ સુધી પાણીની પાઇપલાઇન પાથરવામા આવી નથી. આવા વિસ્તારોમાં એક વર્ષ માટે ટેન્કરથી પાણી વિતરણ કરવાની દરખાસ્ત આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં આવી હતી. કોન્ટ્રાક્ટ બે વર્ષ માટે આપવાની દરખાસ્ત હતી. સ્ટેન્ડીંગ કમિટીએ એક વર્ષ માટે બહાલી આપી રૂૂ.6.50 કરોડનો ખર્ચ ચેરમેન પરેશભાઇ પીપળિયાએ મંજૂર કર્યો હતો. મળતી સતાવાર માહિતી મુજબ પોણા બે લાખથી વધુ લોકોને હજુપણ ટેન્કરથી પાણી આપવામા આવશે.

શહેરમાં એક તરફ સ્માર્ટ સિટી અને આધુનિક સુવિધાઓના દાવા થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ અનેક વિસ્તારો આજે પણ નિયમિત પાણીની પાઈપલાઈન સુવિધાથી વંચિત છે. આવા વિસ્તારોમાં ટેન્કર અને ટ્રેક્ટર મારફતે પાણી વિતરણ મનપા કરી રહી છે. દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળિયાના અધ્યક્ષસ્થાને યોજાનારી બેઠકમાં એક અરજન્ટ સહિત કુલ 14 દરખાસ્તો આવી હતી.

સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગના પ્રારંભે પૂર્વ મેયર સ્વ.જનકભાઇ કોટકને શ્રધ્ધાંજલિ આપવામા આવી હતી. ત્યારબાદ એજન્ડા હાથ પર લેવાયો હતો. જેમા મહત્વની દરખાસ્તમાં પાઈપલાઈન સુવિધા વિહોણા વિસ્તારોમાં પાણી વિતરણ માટે ટેન્કર અને ટ્રેક્ટર સેવા ચાલુ રાખવાની મંજૂરી માગવામા આવી હતી. દરખાસ્ત તો બે વર્ષ માટેનો કોન્ટ્રાકટ આપવાની હતી. પરંતુ સ્ટેન્ડિંગ ચેરમેન પરેશભાઇ પીપળિયાએ એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, આવતા બે વર્ષમાં ન્યૂ રાજકોટના વિકસિત વિસ્તારોમાં સંખ્યાબંધ સોસાયટીઓમાં પાઇપલાઇન નખાઇ જવાની છે. અને જ્યા પાઇપલાઇન નખાઇ છે ત્યા કનેકશન પણ મળી જશે. એ જોતા હાલ પુરતુ એક વર્ષ માટેનો કોન્ટ્રાક્ટ રાખવામા આવે તેવો નિર્ણય લઇને એક વર્ષ માટે રૂૂ.6 કરોડ 50 લાખનો ખર્ચ મંજૂર કરવામા આવ્યો હતો.

આટલા વિસ્તારો એક વર્ષ માટે હજુ પણ પાણીના ટેન્કર ભરોસે

ભગવતીપરા, રાજકોટ-અમદાવાદ હાઈવે પર જેટકો ઓફિસ નજીકની ઝૂંપડપટ્ટી, આઈસબાપીર દરગાહ વિસ્તાર, બેડી ચોકડી, વેલનાથપરા, મંછાનગર, ભીમરાવનગર, યુવરાજનગર, રાંદરડા તળાવ વિસ્તાર, ગોવિંદબાગ શાકમાર્કેટ, જંગલેશ્વર, ખોડલધામ-7, શીતલધાર, રામેશ્વર ગોલ્ડ, ગોપાલનગર, ભૂતનાથ સોસાયટી, સાનદાર રેસીડેન્સી, મારુતિ પાર્ક, શિવમ પાર્ક, એનિમલ હોસ્ટેલ, ગારબેજ સ્ટેશન નજીકના સ્લમ વિસ્તાર, શ્યામનગર આરોગ્ય કેન્દ્ર વિસ્તાર, માધાપર ગામ નજીક એનિમલ હેલ્પલાઈન પાસેનો વિસ્તાર, ઉમિયાધાર, ઓમાયાધાર અને ઈશ્વરિયા રોડ સહિતના વિસ્તારોમાં પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે.

રેસકોર્સ રિંગરોડ પર કાર્નિવલ લાઇટ મુકવાનું હાલ પડતુ મુકાયુ
રેસકોર્સ રિંગરોડ પર દીવાળી કાર્નિવલની ઉજવણી વખતે જે રીતે ઝગમગી ઉઠે છે તેવી જ ડેકોરેટીવ લાઇટના મુકવા માટે ગત સ્ટેન્ડીંગ કમિટીમાં પ્રેઝન્ટેશન નિહાળીને નિર્ણય કરવા પેન્ડીંગ રખાયેલી દરખાસ્ત આજે મળનારી સ્ટેન્ડીંગ કમિટીની મિટિંગમાં ફરી એકવખત રજૂ કરવામા આવી હતી. ડેકોરેટીવ લાઇટ માટે રૂૂ.2.88 કરોડનો ખર્ચ કરવાની મંજૂરી માગવામા આવી હતી. વૈશ્વિક કટોકટીના પ્રવર્તમન સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને મહતમ કરકસર કરવાની લાગણી વ્યક્ત કરેલી છે. જેને ધ્યાનમાં રાખીને રેસકોર્સ રિંગરોડ પર ડેકોરેટિવ લાઇટ મુકવાનું હાલ પુરતુ પડતુ મુકવાનો નિર્ણય લેવાયો છે.

મહાપાલિકાની 21 શાખામાં ખાનગી કોન્ટ્રાક્ટના 51 વાહનોના ધુમાડા બંધ
મનપામાં હાલ મોટાભાગના વિભાગોમાં અધિકારી, ફિલ્ડવર્ક કરતા કર્મચારીઓ તેમજ અન્ય શાખાઓમાં કોન્ટ્રાક્ટથી લેવામા આવતા વાહનોનો ઉપયોગ થાય છે. તેમાથી બીનજરૂૂરી હોય તેવા વાહનોની છટકી કરવા માટે લિસ્ટ મગાવવામા આવ્યુ હતુ. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં અરજન્ટ દરખાસ્તમાં 21 શાખાઓમાં વાપરવામા આવતા 51 ખાનગી વાહનો બંધ કરવાનો ઠરાવ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *