ભીસ્તીવાડમાં પોલીસ ઉપર હુમલો કરનાર તેમજ 75 લાખના હવાલામાં પટેલ વેપારીનું અપહરણ કરવાના ગુનામાં સંડોવાયેલા ભીસ્તીવાડના નામચીન ઈશોભા દલને 4 મહિના બાદ ઝોન-2 એલસીબીની ટીમે ઝડપી લઈ તેને પ્રનગર પોલીસ હવાલે કર્યો છે.
મળતી વિગતો મુજબ શહેરના પોપટપરામાં મહિલાના ઘરે માથાકુટ કરવા ગયેલા ભીસ્તીવાડના નામચીન ઈશોભા રીઝવાન દલ અને તેના સાગરીતોએ મળી માથાકુટ કરી હતી. અને ત્યાર બાદ ભીસ્તીવાડમાં પોલીસ જ્યારે તેને પકડવા આવી ત્યારે પોલીસ ઉપર હુમલો કર્યો હતો. આ ગુનામાં છેલ્લા ચારેક મહિનાથી ફરાર ઈશોભા નાનામૌવા સર્કલ પાસે હોવાની બાતમીના આધારે તેને ઝડપી લીધો હતો. ગુજસીટોક તેમજ મારામારી સહિતના ગુનામાં સંડોવાયેલ નામચીન મજીદ ભાણુ અને ઈશોભા રીઝવાન દલના ઘરે પોલીસે ડિમોલેશન કરી તેના ગેરકાયદેસર મકાનો તોડી પાડ્યા હતાં. નામચીન ઈશોભા અને તેના સાગરીતોએ અનેક ગુના આચર્યા હોય તેમજ 75 લાખની ઉઘરાણીનો હવાલો લઈ યુનિવર્સિટી રોડ પર લઈ ટીએનરાવ કોલેજ સામે નંદભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા આનંદ ગીરધરભાઈ કણસાગરાનું સ્કોર્પિયો કારમાં અપહરણ કરી માર મારવાના ગુનામાં પણ ઈશોભા અને તેના સાગરીતો સામે ફરિયાદ નોંધાઈ હતી.
ભીસ્તીવાડના નામચીન ઈશોભા સામે અસંખ્ય ગુના નોંધાયેલા છે. પોલીસ ઉપર હુમલો કરવાના ગુનાામાં ચાર મહિનાથી ફરાર ઈશોભાની પોલીસે ધરપકડ કરી છે. તેણે ચાર મહિના દરમિયાન ક્યાં ક્યાં આશરો મેળવ્યો અને કોણે કોણે તેની મદદ કરી તે સહિતની બાબતો ઉપર પ્રનગર પોલીસ મથકના પીઆઈ વી.વી. વસાવા અને તેમની ટીમે વધુ પુછપરછ શરૂ કરી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા સાથે અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર ગડિયા ઉપરાંત ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલસીબીના ઈન્ચાર્જ પીએસઆઈ જે.વી. ગોહિલ, રાજેશભાઈ મિયાત્રા, રાહુલભાઈ ગોહેલ, હેમેન્દ્ર વાધિયા, શક્તિસિંહ ગોહિલ, ધર્મરાજસિંહ ઝાલા, કુલદિપસિંહ રાણા સહિતનીટીમે કામગીરી કરી હતી.
