અમદાવાદ અને રાજકોટમાં છ રિક્ષા ચોરી કરનાર કુખ્યાત જીતું લંગડીને ક્રાઈમ બ્રાંચની ટીમે જામનગર રોડ પર આવેલી માધાપર ચોકડી બ્રિજ નીચેથી વોચ ગોઠવીને ઝડપી લઇ રૂૂ.5.65 લાખની ચોરીની 6 ઓટો રિક્ષા કબજે કરી છે.
ક્રાઈમ બ્રાંચની ટીમેના એ.એસ.આઇ. વિજયરાજસિંહ જાડેજા, તુલસીભાઈ ચુડાસમા ,સંજયભાઈ ખાખરીયા અને ધર્મેશભાઈ ખાંડેખાને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, એક શખ્સ ચોરીની રિક્ષા સાથે માધાપર ચોકડી બ્રિજ નીચે ગેરકાયદેસર ફેરા મારવાની ફિરાકમાં ઉભો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક જામનગરના જોડિયા દલિતવાસ માં રહેતા જીતેન્દ્ર ઉર્ફે જીતુ લંગડી ગોવિંદભાઈ પરમાર (ઉં વ26)ની અટકાયત કરી આગવી ઢબે સઘન પૂછપરછ કરવામાં આવતા તેણે અલગ-અલગ અમદાવાદ અને રાજકોટ માંથી કુલ 6 ઓટો રિક્ષા ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. પોલીસે કુલ રૂૂપિયા 5,65,000/- ની કિંમતનો મુદ્દામાલ રિકવર કર્યો છે. આ વાહનો રાજકોટ શહેરના બી ડીવીઝન, થોરાળા, પ્રદ્યુમન નગર (પ્ર.નગર) અને અમદાવાદ શહેરના કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયા હોવાનું સત્તાવાર રીતે ખુલ્યું છે.
ઝડપાયેલો આરોપી ’જીતુ લંગડી’ કોઈ સામાન્ય ચોર નથી પરંતુ ગુનાખોરીની દુનિયાનો રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ રાજકોટ શહેરના થોરાળા, ગાંધીગ્રામ, પ્રદ્યુમન નગર તેમજ જામનગર સીટી એ ડીવીઝન અને મોરબીના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ચોરી, ઘરફોડ ચોરી અને ભારતીય ન્યાય સંહિતા ની કલમો હેઠળ કુલ 13 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જેલના સળિયા પાછળથી છૂટ્યા બાદ તે ફરીથી આ ગુનાહિત પ્રવૃત્તિ આચરતો હતો.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક, ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા, એસીપી ક્રાઈમ બી.બી. બસીયાની સૂચનાઓ અન્વયે ક્રાઈમ બ્રાંચના પી.આઈ એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એમ. રાણા અને તેમની ટીમના એ.એસ.આઇ અશોક કલાલ, રણજીતસિંહ પઢારીયા, સંજયભાઇ દાફડા, અને હેડ કોન્સ્ટેબલ સુભાષભાઇ ધોધારી તથા લાલજીભાઇ હાડગરાએ કામગીરી કરી હતી.
