મહાનગરપાલિકાએ 700 જેટલી નોટિસો આપ્યા બાદ રેવન્યુ તંત્ર દ્વારા બે દિવસમાં 982 કાચા-પાકા મકાનો દૂર કરવા નોટિસ
રાજકોટ શહેરના ભાવનગર રોડ ઉપર આજી નદીનાકાંઠે આવેલા જંગલેશ્ર્વર વિસ્તારમાં સરકારી જમીન ઉપર વર્ષોથી ખડકાયેલા ગેરકાયદે બાંધકામો હટાવવા માટે ગઈકાલે કલેકટર તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત હેઠળ 582 નોટિસો આપવામાં આવ્યા બાદ આજે વધુ 400 થી વધુ દબાણકારોને પણ દબાણ હટાવી લેવા નોટિસો ફટકારતા વર્ષોથી અહિં રહેતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
આ અગાઉ મહાનગરપાલિકાએ તેની જમીન ઉપર ઉભેલા 700 જેટલા દબાણકારોને નોટિસ આપી હતી. ત્યારબાદ હવે કલેકટર તંત્ર દ્વારા સરકારી ખરાબાની આશરે 1 લાખ 20 હજાર ચોરસ મીટર જમીન ઉપર થયેલા એક હજાર જેટલા ગેરકાયદે બાંધકામો હટાવવા નોટિસ આપવામાં આવઈ રહી છે. ત્યારે રાજકોટમાં આગામી 10 જાન્યુઆરીથી ત્રણ દિવસની યોજાનાર રિજનલ વાઈબ્રન્ટ સમિટ પહેલા રાજકોટમાં ઐતિહાસીક ડિમોલીશનનો તખતો ઘડાઈ રહ્યાનું જાણવા મળે છે.
તમામ દબાણકારોને તા.29નાં રોજ જમીનના આધાર-પુરાવા સાથે કલેકટર કચેરીમાં હાજર રહેવા નોટિસમાં જણાવ્યું છે. જો કે મોટાભાગના લોકો પાસે લાઈટબીલ અને રેશનકાર્ડ સિવાય જમીનના કોઈ આધાર પુરાવા નહીં હોવાનું જાણવા મળે છે.
સંભવિત ડિમોલીશન સામે કોઈ આસામી કોર્ટમાંથી મનાઈ હુકમ મેળવે નહીં તે માટે તંત્ર દ્વારા કેવિયેટ દાખલ કરવા પણ તજવીજ હાથ ધરાઈ છે. ત્યારે જો જંગલેશ્ર્વરનું ડિમોલીશન થાય તો કલેકટર અને મહાનગરપાલિકાની જમીન ખાલી કરાવવા ઈતિહાસનું આ સૌથી મોટુ ડિમોલીશન બની રહેશે.
આજે સતત બીજા દિવસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી પૂર્વ મામલતદાર નિલેશ અજમેરા અને સર્કલ ઓફિસર સત્યમ સેરશીયાના નેતૃત્વમાં મનપાની ટીમ અને તલાટીઓના કાફલાએ જંગલેશ્વર વિસ્તારમાં ધામા નાખ્યા હતા. આ કામગીરી દરમિયાન કોઈ ઘર્ષણ કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઙઈં સરવૈયા અને જઙ જાદવ સહિત 60 થી 70 પોલીસ જવાનોનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આજે અંદાજે 40 હજાર ચોરસ મીટર જમીન પરના દબાણકારોને નોટિસો અપાઈ હતી, જેની બજાર કિંમત 60 થી 70 કરોડ અંદાજવામાં આવે છે. ગઈકાલની 80,000 ચોરસ મીટર જમીન મળીને અત્યાર સુધીમાં કુલ 1.20 લાખ ચોરસ મીટર સરકારી જમીન પરના દબાણો હટાવવા નોટિસોની કામગીરી પૂર્ણ થઈ છે. આ જમીનોની કુલ કિંમત અંદાજે રૂૂ. 300 કરોડ જેટલી થવા જાય છે.29 તારીખે સુનાવણી બાદ 10 તારીખ પહેલાં ’મેગા ડિમોલિશન’ની શક્યતા સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી 29 તારીખના રોજ તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ આખરી નિર્ણય લેવાશે.
વાઈબ્રન્ટ સમિટ પહેલા મેગા ડિમોલિશનનો તખ્તો
રાજકોટમાં ‘રિઝનલ-વાઈબ્રન્ટ’ કાર્યક્રમ યોજાય તે પૂર્વે એટલે કે 10 તારીખ પહેલા કલેક્ટર અને મનપા દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરાશે. જંગલેશ્વરમાં કલેક્ટર વિભાગના 1000 અને મનપાના 500 થી 700 મળીને અંદાજે 2000 જેટલા ગેરકાયદેસર બાંધકામો પર બુલોઝર ફેરવી દેવામાં આવે તેવી પ્રબળ શક્યતા આધારભૂત સુત્રોએ દર્શાવી છે. જો આ ડિમોલિશન થાય તો ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટુ ડિમોલીશન બની રહેશે.
