ધોરાજીના છાડવાવદરમાં કાગળ પર ચાલતી નકલી શાળા અંગે શાળાને બંધ કેમ ન કરવી તેવી ટ્રસ્ટી મંડળ અને પગારની રિકવરી કેમ ન કરવી તેવી નોટીસ આચાર્ય અને કલાર્કને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ફટકારવામાં આવી છે. તેમજ તેનો જવાબ ત્રણ દિવસમાં આપવા તાકીદ કરાઇ છે.
રાજકોટના ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમારે જણાવ્યું હતું કે, ધોરાજીના છાડવાવદર ગામે કાગળ ઉપર સ્કૂલ ચાલતી હોવાની અગાઉ ફરિયાદ મળી હતી જેના આધારે આઠ જેટલા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તેનો રિપોર્ટ આપવામાં આવેલો છે ત્યારે હાલ આ શાળા શા માટે બંધ ન કરી દેવી તે પ્રકારની નોટિસ ટ્રસ્ટી મંડળને આપવામાં આવી છે તો સાથે જ શાળાના આચાર્ય અને ક્લાર્કને એ પ્રકારની નોટિસ આપાઇ છે કે આપના પગારની રિકવરી શા માટે ન કરવી અને આ નોટિસ નો જવાબ ત્રણ દિવસમાં આપવાનો રહેશે જે જવાબ બાદ એક્શન લેવામાં આવશે.