કોટડાસાંગાણીમાં નોટરીના 98 હજારના રોકડ ભરેલા થેલાની ચોરી

કોટડા સાંગાણી ગામે આજે ધોળા દિવસે ચોરીની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે.એડવોકેટ-નોટરીના ઘરની બહાર પાર્ક કરેલા મોટરસાઇકલ પર લટકાવેલો રૂૂ. 98,000ની રોકડ અને અગત્યના…

કોટડા સાંગાણી ગામે આજે ધોળા દિવસે ચોરીની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે.એડવોકેટ-નોટરીના ઘરની બહાર પાર્ક કરેલા મોટરસાઇકલ પર લટકાવેલો રૂૂ. 98,000ની રોકડ અને અગત્યના દસ્તાવેજો ભરેલો થેલો એક શખ્સ ચોરી કરી જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, કોટડા સાંગાણીના જૂની પોસ્ટ ઓફિસ પાસે રહેતા અને ગોંડલ કોર્ટ પાસે ‘મારુતિ ઝેરોક્સ’ નામની નોટરીની દુકાન ચલાવતા કારિબક્ષ જાનમહોમ્મદભાઈ બ્લોચ (ઉ.વ. 48) આજે સવારે અગિયાર વાગ્યાની આસપાસ બજારમાંથી ઘરવખરીના સામાનની ખરીદી કરીને ઘરે પરત ફર્યા હતા. તેમણે પોતાનું હોન્ડા સાઈન મોટરસાઇકલ (નંબર GJ-03-ગઊ-8192) ઘરની બહાર પાર્ક કર્યું હતું. બાઇકના ડાબી બાજુના લોખંડના હુકમાં તેમનો કોફી કલરનો લેધરનો થેલો લટકાવેલો હતો. આ થેલામાં વ્યવસાયના જરૂૂરી કાગળો અને ₹98,000ની રોકડ રકમ રાખેલી હતી. કારિબક્ષભાઈ થેલો બાઇક પર જ લટકતો મૂકીને પંદર-વીસ મિનિટ માટે ઘરની અંદર ગયા હતા. ત્યારબાદ જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે બાઇક પરથી થેલો ગાયબ હોવાનું જણાતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. થેલાની શોધખોળ બાદ પણ પત્તો ન લાગતા, બાજુમાં આવેલી કંદોઈની દુકાનના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા.

ફૂટેજમાં જોવા મળ્યું હતું કે, આશરે 16-17 વર્ષનો એક કિશોર, જેણે કાળા રંગનો શર્ટ અને બ્લુ જીન્સ પહેરેલું હતું, તે બાઇક પરથી થેલો ચોરી કરીને ભાગી રહ્યો હતો. ફૂટેજમાં દેખાતા કિશોરની ઓળખ કારિબક્ષભાઈ અને તેમના ભાઈ અબ્દુલભાઈ બ્લોચ દ્વારા કરવામાં આવી છે. તે કોટડા સાંગાણીની આંગણવાડી પાસે રહેતો ‘વિશ્વાસ’ નામનો છોકરો હોવાનું ખુલ્યું છે.
આ અંગે કારિબક્ષભાઈએ કોટડા સાંગાણી પોલીસ મથકે વિશ્વાસ વિરુદ્ધ ₹98,000ની રોકડ અને દસ્તાવેજોની ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ઓળખના આધારે આરોપી કિશોરને ઝડપી પાડવા અને મુદ્દામાલ રિકવર કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. ધોળા દિવસે થયેલી આ ચોરીની ઘટનાથી સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં સુરક્ષા અંગે ચિંતા પ્રસરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *