નર્મદા પરિક્રમામાં ગયેલ રતનપરના યુવાનનું ડૂબી જતાં મોત, પરિવારમાં શોક

ડાબો હાથ, બન્ને પગના પંજા અને શરીરના અન્ય ભાગો ન મળ્યા રતનપરની રુદ્ર રેસીડેન્સીમાં રહેતા 21 વર્ષીય યુવક કૃષ્ણપાલસિંહ અનિરુદ્ધસિંહ પરમાર પોતાના મિત્રો અને કાકા…

ડાબો હાથ, બન્ને પગના પંજા અને શરીરના અન્ય ભાગો ન મળ્યા

રતનપરની રુદ્ર રેસીડેન્સીમાં રહેતા 21 વર્ષીય યુવક કૃષ્ણપાલસિંહ અનિરુદ્ધસિંહ પરમાર પોતાના મિત્રો અને કાકા સાથે ચાર વાહનો લઈને નર્મદા જિલ્લાના રામપુરા ગામે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવા માટે 21મી માર્ચે ઘરેથી નીકળ્યા હતા.

પરિક્રમા દરમિયાન તેઓ અનસૂયા માતાના મંદિર પાસે આવેલા મનમંથેશ્વર મહાદેવના મંદિરે પહોંચ્યા હતા અને નર્મદા નદીમાં સ્નાન કરવા માટે ઉતર્યા હતા. નદીના પાણીનું વહેણ તેજ હોવાના કારણે કૃષ્ણપાલસિંહ અચાનક ઉંડા પાણીમાં ખેંચાઈ ગયા હતા. તેમણે બચાવવા માટે બૂમરાણ મચાવી હતી, પરંતુ જોતજોતામાં તેઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તેમની સાથે રહેલા મિત્રો અને સગા-સંબંધીઓએ તેમને બચાવવા પ્રયાસ કર્યા પરંતુ સફળતા મળી ન હતી.

ઘટનાની જાણ સ્થાનિક તંત્ર અને વલણ પોલીસને કરવામાં આવતા શોધખોળ શરૃ કરવામાં આવી હતી. દુર્ઘટનાના બે દિવસ બાદ, ઘટનાસ્થળથી આશરે 500 મીટર દૂર કહોણા ગામની સીમમાં નર્મદા કિનારેથી કૃષ્ણપાલસિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. નદીના જળચર પ્રાણીઓએ મૃતદેહને નુકસાન પહોંચાડયું હોય તેમ ડાબો હાથ, બંને પગના પંજા અને શરીરના અન્ય ભાગો ખવાઈ ગયેલી હાલતમાં મળી આવ્યા હતા.

વલણ પોલીસ મથકના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. માત્ર 21 વર્ષની વયે આશાસ્પદ યુવકનું મોત થતાં પરિક્રમામાં સાથે ગયેલા મિત્રો અને પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે. હાલમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *