આઝાદીના 79 વર્ષ બાદ પણ વિકાસના લાભથી વંચિત રહેલા વિચરતી અને વિમુક્ત જનજાતિના સમુદાયોએ પોતાના હક્ક, ન્યાય અને સન્માન માટે અવાજ ઉઠાવ્યો છે. વિચરતી વિમુક્ત જનજાતિ હક્ક સમિતિ, ગુજરાત પ્રદેશ દ્વારા જિલ્લા કલેક્ટરનેઆવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે, જેમાં સરકાર પાસે તેમના સર્વાંગી વિકાસ માટે વિવિધ માંગણીઓ કરવામાં આવી છે.
આ સમિતિમાં ચુંવાળીયા કોળી, દેવીપૂજક, રાવળ દેવ યોગી, બાવા વૈરાગી, નાયક, વણઝારા, મે-મિયાણાં, ઓડ, સરાણીયા, લુહાર, ચારણ-ગઢવી, ડફેર, સંધી, વાદી સહિત ચાલીસ જેટલા સમુદાયોનો સમાવેશ થાય છે. વિચરતા અને વિમુક્ત સમુદાયોને પાંચમાં શિડ્યુલ તરીકે 11% અલગથી અનામત મળે તે માટે જરૂૂરી બંધારણીય સુધારા કરવા. જ્યાં સુધી આ અનામત ન મળે ત્યાં સુધી ઓબીસીને મળતી 27% અનામતમાંથી અલગથી 11% અનામત આપવી.
ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારોને શહેરી વિસ્તારમાં 100 ચોરસ વારનો પ્લોટ અને મકાન બનાવવા માટે સહાય આપવી. જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ઝૂંપડપટ્ટીઓ તોડવાની કાર્યવાહી પર રોક લગાવવી.
વિદ્યાર્થીઓને કે.જી.થી લઈને ડોક્ટર સુધીના અભ્યાસ માટે વિનામૂલ્યે શિક્ષણ માટે ફ્રી-શીપ કાર્ડ આપવું. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ખાનગી ક્લાસની ફી માફ કરવી.સમાજિક શોષણ અને પોલીસની કનડગત અટકાવવા. સામાજિક બહિષ્કાર, શોષણ અને હિંસાથી રક્ષણ માટે એટ્રોસિટી કાયદા હેઠળ સમાવેશ કરવો. વિવિધ સહકારી ક્ષેત્રોમાં 11% આરક્ષણ આપવું. ખેતમજૂરી કરતા લોકોને ખેડૂત તરીકે માન્યતા આપી પૂર અને દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં આર્થિક સુરક્ષા પૂરી પાડવી.સમિતિએ સરકારને વિનંતી કરી છે કે તેઓ આ મુદ્દાઓ પર ગંભીરતાથી વિચારણા કરે, કારણ કે આ સમુદાયો વર્ષોથી પીડિત અને વંચિત રહ્યા છે, અને તેમનામાં રોષની લાગણી છે
