અધિકારી કંઇ પણ કરે, તેને હાથ ન લગાવી શકાય? HCનો ગંભીર સવાલ

સુરતના નાસીરનગરમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશન કેસમાં ગુજરાત હાઈકોર્ટે ફરી એકવાર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ના કમિશ્નર સામે કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું કે,…

સુરતના નાસીરનગરમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશન કેસમાં ગુજરાત હાઈકોર્ટે ફરી એકવાર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ના કમિશ્નર સામે કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું કે, SMC કમિશ્નર હજુ હોદ્દા પર છે, તેનાથી રાજ્યની કેવી ઈમેજ ઊભી થાય છે? અધિકારીઓ કંઈ પણ કરે ને તેમને હાથ ન લગાવી શકાય?

26 અરજદારોએ કરેલી અરજી પર થયેલી સુનાવણીમાં હાઈકોર્ટે આ મામલે ગંભીરતા દર્શાવી હતી. સુનાવણી દરમિયાન અરજદારો તરફથી બે એફિડેવિટ ફાઈલ કરવામાં આવી હતી, જેમાં સેલ ડીડના દસ્તાવેજો મૂકીને જણાવવામાં આવ્યું કે જે જગ્યાએ ડિમોલિશન કરવામાં આવ્યું તે ખાનગી જમીન છે. જમીન માલિકના વકીલે કોર્ટમાં હાજર થઈને કહ્યું કે આ જમીન ઘણા વર્ષો પહેલાં SMCને સરેન્ડર કરી દેવામાં આવી હતી.

જોકે કોર્ટે સ્પષ્ટ કર્યું કે રોડલાઈન ઉપર દબાણ હોય તો પણ નોટિસ આપ્યા વગર ડિમોલિશન કરી શકાય નહીં. એડવોકેટ જનરલે જણાવ્યું કે કાયદામાં નોટિસ વગર પણ દબાણ હટાવવાની જોગવાઈ છે. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં વર્ષોથી રોડલાઈન અસ્તિત્વમાં છે અને ડીમાર્કેશન માટે ગયા હતા, જે દરમિયાન ડિમોલિશન થયું. તેથી જ તપાસ ચાલુ છે.

સરકારી વકીલે કોર્ટને જણાવ્યું કે રાજ્ય સ્તરની તપાસની જરૂૂરિયાત જણાતાં બે ઉચ્ચ અધિકારીઓની તપાસ સમિતિ નિયુક્ત કરવામાં આવી છે. આ સમિતિમાં મ્યુનિસિપલ ક્ષેત્રના અનુભવી અધિકારીઓ છે અને 60 દિવસની મુદતમાં રિપોર્ટ આપવાનો છે. હાલ 10 દિવસ પૂરા થયા છે.

આ સમયે હાઈકોર્ટે તીક્ષ્ણ ટિપ્પણી કરતાં કહ્યું કે, અહીં કોર્ટ સમક્ષ જુદા-જુદા વર્ઝન મૂકાયા છે. કોણ સાચું છે તે અત્યારે કહી શકાય નહીં. પણ શા માટે SMC કમિશ્નર ઉપર એટલો ભરોસો? એક્ઝિક્યુટિવ એન્જિનિયરે તો પોતાનો નોકરીનો હક્ક ગુમાવી દીધો છે, છતાં તેમણે કોર્ટ સમક્ષ આવવાની હિંમત કરી છે.

કોર્ટે વધુમાં કહ્યું કે, SMC કમિશ્નરને હટાવવા કે નહીં તે રાજ્યનો નિર્ણય છે, પણ તેનાથી રાજ્યની કેવી ઈમેજ ઊભી થાય છે? અધિકારીઓ કંઈ પણ કરે તેમને હાથ ન લગાવી શકાય! કોર્ટે તપાસ સમિતિમાં પોલીસના ઉચ્ચ અધિકારીને સામેલ કરવાની પણ સલાહ આપી અને કહ્યું કે કમિશ્નર હોદ્દા પર હોય ત્યાં સુધી તપાસમાં હસ્તક્ષેપ ન થાય તેની ખાતરી રાખવી જોઈએ.

એડવોકેટ જનરલે જણાવ્યું કે હવે ડિમોલિશન પીડિતોના પુનર્વસન પર ભાર આપવામાં આવી રહ્યો છે. SMC કમિશ્નરે પણ કહ્યું છે કે કોર્પોરેશન માત્ર ડીમાર્કેશન માટે ગયું હતું અને આ બાબતમાં ખાનગી પક્ષનો હસ્તક્ષેપ પણ છે.

ઉલ્લેખનીય છે કે સુરતમાં ગત 29 અને 30 મે 2026ના રોજ વેડ દરવાજા પાસેના નાસીરનગર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત સાથે આશરે 100 મકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ ઘટનાને ગુજરાતના ઇતિહાસનું સૌથી રહસ્યમય ડિમોલિશન ગણવામાં આવી રહ્યું છે. હાઈકોર્ટ આ મામલે વારંવાર સરકાર અને SMCની કામગીરી પર સવાલ ઉઠાવી રહી છે. કોર્ટે રાજ્ય સરકારને આ બાબતે ગંભીરતાથી વિચારવા સૂચના આપી છે. હવે તપાસ સમિતિનો રિપોર્ટ આવ્યા બાદ આ મામલે વધુ સ્પષ્ટતા થશે તેવી અપેક્ષા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *