ગિરનારની નવી સીડીના આશરે 50મા પગથિયા નજીક ગત રાત્રે આશરે રાત્રે 3 વાગ્યે ત્રણ નર એશિયાટિક સિંહોની હાજરી નોંધાઈ હતી. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ વન વિભાગની ટીમે સિંહોની હિલચાલ પર સતત નજર રાખીને તેમને કોઈપણ પ્રકારની હેરાનગતિ વગર સુરક્ષિત રીતે સીડીનો વિસ્તાર પાર કરાવી તેમના કુદરતી આવાસ તરફ રવાના કર્યા હતા.
આ ઘટના તે સમયે વિશેષ મહત્વની બની છે કારણ કે માત્ર અમુક દિવસો પહેલાં જ 11 જુલાઈ 2026ના રોજ ગિરનારની જ નવી સીડીના આશરે 50મા પગથિયા નજીક એક 11 વર્ષીય બાળક મયુર ચૌહાણનું સિંહના હુમલામાં મૃત્યુ થયું હતું. તે ઘટનામાં ત્રણ સિંહોને પકડીને સક્કરબાગ ઝૂમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ સુરક્ષા પગલાં કડક બનાવવામાં આવ્યા છે.
મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે વન્યજીવ સંરક્ષણ અને જનસુરક્ષા બંને સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. વન વિભાગની સતર્કતા, તાલીમબદ્ધ કામગીરી અને ઝડપી પ્રતિસાદને કારણે કોઈપણ પ્રકારની અકસ્માત કે હેરાનગતી ટાળી શકાઈ હતી. ગીર અને ગિરનારનું સમૃદ્ધ જૈવ વૈવિધ્ય રાજ્યનું ગૌરવ છે અને તેનું સંરક્ષણ સૌની સામૂહિક જવાબદારી છે.
વન વિભાગે અપીલ કરી છે કે, વન્યપ્રાણી દેખાય તો ગભરાશો નહીં અને તેમને કોઈપણ પ્રકારની હેરાનગતિ કે ઉશ્કેરણી કરશો નહીં. સિંહ અથવા અન્ય વન્યપ્રાણી દેખાય તો તાત્કાલિક નજીકના વનકર્મી અથવા ટ્રેકર ટીમને જાણ કરો અને તેમની સૂચનાઓનું પાલન કરો. વહેલી સવારે તથા મોડી રાત્રે શક્ય હોય ત્યાં સુધી યાત્રા ન કરો. ગિરનારની સીડી પર ખાદ્યપદાર્થો કે પ્રસાદ ન ફેંકો, કારણ કે તેનાથી શાકાહારી પ્રાણીઓ આકર્ષાય છે અને ત્યારબાદ માંસાહારી વન્યપ્રાણીઓ પણ તે વિસ્તારમાં આવી શકે છે.
