હવેની જનતા જર્નાદન શાણી થઇ ગઇ છે. ચૂંટણી ટાંણે પ્રજાને કોણીએ ગોળ ચોટાડીને મત ગજવે કરનારા નેતાઓએ સબક આપવા ખુલ્લીને મેદાનમાં આવી જાય છે. રાજકોટમાં હાલ આવો જ કેટલોક સિનારિયો અનેક સોસાયટીઓમાં જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક વિસ્તાર વોર્ડ નં.9ના કિસ્મતનગર અને શિવમપાર્કમાં રસ્તા, ગંદકી સહિતની પ્રાથમિક દુવિધાથી પીડાતા રહેવાસીઓ મનપાની ચૂંટણી ટાંણે જ પરચો આપવા મેદાનમાં આવ્યા છે.
અમારા વિસ્તારમાં કોઇએ મત માગવા આવવુ નહીં તેવા પ્રચંડ આક્રોષ સાથે લતાવાસીઓએ થાળી વગાડીને રાજકીય પક્ષો પ્રત્યે અણગમો દેખાડ્યો હતો.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, વિધાનસભાની હોય કે પછી લોકસભાની ચૂંટણી, રાજકીય નેતાઓ મત મેળવવા માટે મોટી મોટી વાતો કરી જાય છે અને ચૂંટણી પૂરી થઇ જાય પછી આ જ નેતાઓને શોધવા જવા પડે તેવી હાલત થઇ જાય છે. રાજકીય નેતાઓના આવા સ્વાર્થ સામે જનતા હવે જાગી ગઇ હોય તેવા એકપછી એક દાખલા રાજકોટમાં જોવા મળી રહ્યા છે.
વધુ એક વિસ્તારના રહેવાસીઓ પોતાની પીડાને લઇને રસ્તા પર ઉતરી છે. શહેરના વોર્ડ નં.9માં આવેલા કિસ્મનગર અને શિવમપાર્કમાં છેલ્લા ઘણા સમયથી રોડ અને સફાઇને લગતી સમસ્યા દૂર કરવા લતાવાસીઓ પાછલી પાંચ ટર્મના કોર્પોરેટરોથી માંડી તંત્રવાહકો સુધી ફરિયાદ કરીને થાકી ગયા. સમસ્યાનો કોઇ નિવેડો આવ્યો નહીં. અને હવે જ્યારે મનપાની ચૂંટણી આવી છે ત્યારે ફરી એકવખત નેતાઓ મત માગવા આવે એ પહેલા જ કિસ્મનગર અને શિવમપાર્કમાં નો-એન્ટ્રી ફરમાવી દીધી છે. લતાવાસીઓ આજે એકઠા થયા હતા અને થાળી વગાડીને રોષ ઠાલવ્યો હતો. અમારા વિસ્તારમાં મત માગવા આવવુ જ નહીં તેવા સુત્રોચ્ચાર સાથે લતાવાસીઓએ રાજકીય નેતાઓને પરચો દેખાડ્યો હતો.
