વિકાસ કામો નહીં તો મત નહીં, નાગેશ્ર્વરવાસીઓની સ્પષ્ટ વાત

રસ્તાના કામો અધુરા, પાણી મળતું નથી, હોકર્સ ઝોન મંજૂર થતો નથી, પોલીસ ચોકી આપવા સહિતની પડતર માંગણીઓ શહેરના જામનગર રોડ પર આવેલા વોર્ડ નંબર એકમાં…

રસ્તાના કામો અધુરા, પાણી મળતું નથી, હોકર્સ ઝોન મંજૂર થતો નથી, પોલીસ ચોકી આપવા સહિતની પડતર માંગણીઓ

શહેરના જામનગર રોડ પર આવેલા વોર્ડ નંબર એકમાં નાગેશ્વર વિસ્તારમાં છેલ્લા છ વર્ષથી પ્રાથમિક સુવિધાઓનો ધરખમ અભાવ જોવા મળી રહ્યો છે. કોર્પોરેશનમાં ભળ્યા છતાં પણ વિકાસથી વંચિત રહેલા આ વિસ્તારના નાગરિકોએ એકજુથ થઈ રેલી કાઢી મહાનગરપાલિકા અને જનપ્રતિનિધિઓને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

રહેવાસીઓના જણાવ્યા મુજબ, શાંતિનગર અને નાગેશ્વર માટે ડામર રોડની ગ્રાન્ટ એકસાથે મંજૂર થઈ હતી. જોકે, શાંતિનગરમાં રોડનું કામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે નાગેશ્વર વિસ્તાર હજુ પણ રોડ વિહોણો છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ગ્રાન્ટ મંજૂર હોવા છતાં કોન્ટ્રાક્ટરને નાણાં ન મળતા કામ અટકેલું છે. આ બાબતે પૂર્વ કોર્પોરેટર દ્વારા ચૂંટણીની આચારસંહિતાનું બહાનું ધરાવવામાં આવ્યું હતું, પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે કામ તો આચારસંહિતા લાગુ પડ્યા પહેલાનું જ બંધ છે.

વિસ્તારમાં સાફ-સફાઈ અને કચરા કલેક્શન યોગ્ય રીતે થતું નથી તેમજ પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં અને સમયસર મળતું નથી. દબાણ અને નાગેશ્વર મેઈન રોડ પરના દબાણો દૂર કરી રોડ પહોળો કરવાની તાતી જરૂૂર છે. ભવાની ચોકમાં ભરાતી શાક માર્કેટ માટે અલગ ’હોકર્સ ઝોન’ બનાવવાની માંગ ઉઠી છે.વિસ્તારમાં વધતી જતી ચોરીની ઘટનાઓને રોકવા માટે પોલીસ ચોકીની સુવિધા હોવી જોઈએ. બાળકો માટે ગાર્ડન, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર અને સિનિયર સિટીઝનો માટે બેસવાની વ્યવસ્થા જેવી પાયાની સગવડોનો પણ અભાવ છે.

સ્થાનિકોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ખકઅ સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. જો આગામી સમયમાં આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, તો નાગેશ્વરના રહેવાસીઓએ આગામી ચૂંટણીમાં ’નોટા’ નું બટન દબાવી પોતાનો વિરોધ નોંધાવવાની કડક ચીમકી ઉચ્ચારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *